VadodaraGujarat

હરણી તળાવ બોટ દુર્ઘટના અંગે મોટા સમાચાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા પહોંચી રેસ્ક્યુ કામગીરીની માહિતી મેળવી

વડોદરાના હરણી લેક ઝોન ખાતે ના તળાવમાં મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. બોટ પલટી મારી જતા ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓને અકસ્માત સર્જાયો છે. આ બોટમાં 23 બાળકો અને 4 શિક્ષકો આ બોટમાં સવાર રહેલા હતા. જેમાં 14 લોકોના કરુણ મૃત્યુ નીપજ્યા છે. જેમાં ૧૨ બાળકો અને બે શિક્ષકોના આ દુર્ઘટનામાં મૃત્યુ નીપજ્યા છે. આ દુર્ઘટનાને લઈને સમગ્ર શહેરમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે. હાલમાં બે બાળકની શોધખોળ હજુ ચાલી રહી છે. વાઘોડીયાની સનરાઇઝ સ્કૂલના બાળકો રહેલા હતા. જ્યારે ફાયર અને NDRF ની ટીમ દ્વારા રેસ્ક્યુ કામ હાથ ધરવામાં આવ્યું છે.

તેની સાથે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા આવી પહોંચ્યા છે. તે હરણી તળાવ ખાતે આવી પહોંચ્યા છે. તેમના દ્વારા અહીં ચાલી રહેલા રેસ્ક્યૂ ઓપરેશન અંગે જાણકારી મેળવવામાં આવી હતી. તેની સાથે દુર્ઘટના સ્થળનું નિરીક્ષણ તેમના દ્વારા કરવામાં આવ્યું હતું.

હરણી તળાવની દુર્ઘટનાને લઈને ખૂબ વ્યથિત છું. કાળ જ્યારે માસૂમ બાળકોને માતાપિતા પાસેથી છીનવી લે ત્યારે તેમના હૃદય પર શું વીતે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.

તંત્ર સાથે સતત સંકલનમાં છું અને અન્ય કાર્યક્રમ સ્થગિત કરીને વડોદરા જવા નીકળી રહ્યો છું. હાલ તંત્ર દ્વારા તાકીદે રાહત-બચાવ અને સારવારની કામગીરી ચાલુ છે. વધુને વધુ જીવન બચાવી શકાય તેવી આપણા સૌની લાગણી અને પ્રાર્થના છે.

આ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું છે કે, વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. તંત્ર દ્વારા બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકની બચાવ કામગીરી હાલ ચાલુ છે. દુર્ઘટનાનો ભોગ બનનારાને રાહત અને સારવાર તાકીદે મળે તે માટે તંત્રને સૂચના આપવામાં આવી છે.

તેની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ટ્વીટ કરીને મોટી જાણકારી આપી છે કે, હરણી તળાવની દુર્ઘટનામાં તંત્ર દ્વારા રાહત-બચાવ અને સારવારની કામગીરી ચાલી રહી છે. રાજ્ય સરકાર દ્વારા આ દુર્ઘટનામાં જાન ગુમાવનાર પ્રત્યેક મૃતકના પરિવારજનને રૂ. 4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય કરવામાં આવશે.