અમદાવાદના જજીસ બંગલો રોડ પર આવેલા NRI ટાવરમાં મોડી રાત્રે એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના સગા ભત્રીજા અને વર્ગ-1 અધિકારી યશરાજસિંહ ગોહિલે પત્ની સાથે થયેલા ઝઘડા બાદ પહેલા પત્નીને ગોળી મારી અને ત્યારબાદ પોતે પણ આપઘાત કરી લીધો હતો. માત્ર બે મહિના અગાઉ જ લગ્ન થયેલા આ દંપતીનું જીવન અચાનક જ કરુણ અંત તરફ વળ્યું હતું.
મળતી માહિતી મુજબ, ભાવનગરના રહેવાસી યશરાજસિંહ ગોહિલ તેમની પત્ની રાજેશ્વરી ગોહિલ સાથે NRI ટાવરના એક ફ્લેટમાં રહેતા હતા. ગત મોડી રાત્રે બંને વચ્ચે કોઈ મુદ્દે બોલાચાલી થઈ હતી, જે ધીમે ધીમે ઉગ્ર ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી. ઝઘડો વધી જતા યશરાજસિંહે પોતાના લાયસન્સ ધરાવતા હથિયારથી પત્ની પર ફાયરિંગ કર્યું હતું.
ફાયરિંગ બાદ યશરાજસિંહે તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાને ફોન કરીને જણાવ્યું હતું કે પત્નીને ગોળી વાગી ગઈ છે. 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરતા રાજેશ્વરીનું મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું. 108નો સ્ટાફ ઘરની બહાર નીકળતાની સાથે જ યશરાજસિંહે પણ પોતાના માથે ગોળી મારી આપઘાત કરી લીધો હતો. બંનેના માથાના ભાગે ગોળી વાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
ઘટનાની જાણ થતા NRI ટાવરમાં અફરાતફરી મચી ગઈ હતી અને આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા. વસ્ત્રાપુર પોલીસ, ઝોન-1 ડીસીપી તેમજ ક્રાઈમ બ્રાન્ચની ટીમો ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. સમગ્ર ટાવરને કોર્ડન કરીને ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા અને રહેવાસીઓ સિવાય અન્ય કોઈને પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી.
ઉલ્લેખનીય છે કે યશરાજસિંહ ગોહિલ ગુજરાત મેરિટાઇમ બોર્ડમાં અધિકારી તરીકે ફરજ બજાવતા હતા અને થોડા સમય પહેલા જ તેમને વર્ગ-2માંથી વર્ગ-1માં પ્રમોશન મળ્યું હતું. ઘટનાને પગલે રાજકીય અને વહીવટી વર્તુળોમાં પણ શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. હાલ દંપતી વચ્ચે ઝઘડાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. વસ્ત્રાપુર પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.