બિપોરજોય ચક્રવાતની ગંભીરતાને ધ્યાને રાખીને વહીવટી તંત્રએ ગીરના સિંહોને સલામત સ્થળે ખસેડયા
અરબી સમુદ્રમાં ઉદ્દભવેલ બિપરજોય ચક્રવાત ઝડપથી ભારતના દરિયાકાંઠાના વિસ્તારો તરફ સતત આગળ વધી રહ્યું હોવાના કારણે તેની અસર ગુજરાત, ગોવા,કેરળ,મહારાષ્ટ્ર, કર્ણાટકમાં વર્તાવવા લાગી છે. ત્યારે વાવાઝોડાના ખતરાને જોતા જે રાજ્યોમાં ચક્રવાતની અસર દેખાઈ રહી છે તે તમામ રાજ્યો હાલ એલર્ટ મોડ પર છે. જોકે હવે એશિયાટીક સિંહો માટે પ્રખ્યાત એવા ગુજરાતના ગીરના જંગલ પર પણ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. જેને કારણે બીચ પાસે કાયમી રહેઠાણ ધરાવતા 100 સિંહોને સલામત સ્થળ પર લઈ જવામાં આવ્યા હતા.
જૂનાગઢ CCFના જણાવ્યા અનુસાર, બિપરજોય ચક્રવાતની વિનાશક અસરને ધ્યાનમાં રાખીને 12 થી 16 જૂન સુધી દેવલિયા પાર્ક તેમજ ગીર જંગલ સફારી બંધ રાખવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે,16 જૂનથી ગીર સફારીમાં 4 મહિનાનું ચોમાસુ વેકેશન પણ શરૂ થવા જી રહ્યું છે. આમ ગીર સફારી હવે ચોમાસા પછી 16 ઓક્ટોબરે જ લોકો માટે ખુલશે.
નોંધનીય છે કે, બિપોરજોય ચક્રવાતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હાલ કોઈને પણ ગીરના જંગલમાં પ્રવેશ ના આપવા દેવા અપીલ કરવામાં આવી છે. આ વાવાઝોડું પૂર્ણ થયા પછી જ દેવલિયા પાર્કને લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે. તમને જણાવી દઈએ કે, આ પહેલા આવેલા વાવાઝોડા દરમિયાન ગીરના જંગલમાં અનેક વૃક્ષો નીચે પડી ગયા હતા. જેને લઈને વહીવટી તંત્ર આ વખતે પહેલેથી જ એલર્ટ મોડમાં આવી ગયું છે. અને વાવાઝોડાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગીર સફારીને વહીવટી તંત્રએ પહેલાથી જ બંધ કરી દીધું છે.