કોન્સ્ટેબલે પી. આઈ. તરીકેની ઓળખ બતાવીને બુટલેગર જોડે કર્યો લાખોનો તોડ
નકલી પોલીસ બનીને તોડ કર્યો હોવાના કિસ્સાઓ તો તમે સાંભળ્યા હશે પરંતુ સુરતમાં તો એક કોન્સ્ટેબલે પોતાની ઓળખ પી.આઈ તરીકેની બતાવીને લાખો રૂપિયાનો તોડ કર્યો હોવાની ઘટના સામે આવી છે. સુરત પોલીસ હેડ ક્વાર્ટરમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા ચિંતન રાજ્યગુરૂ નામના એક કોન્સ્ટેબલે પીઆઈ તરીકેની ઓળખ આપીને બુટલેગરનું અપહરણ કર્યું અને તેની પાસેથી 1.92 લાખ રૂપિયાનો તોડ કર્યો હતો. ત્યારે હાલ તો કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત શહેર ખાતે આવેલ સુદામા ચોક પાસે વસવાટ કરતા અજય ભૂપત સવાણીએ કાપોદ્રા સ્ટેશનમાં આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદમાં ભુપત સવાણીએ જણાવ્યું છે કે, તે ઘણા સમયથી બેરોજગાર હોવાથી ઘર ચલાવવું ખૂબ મુશ્કેલ બન્યું હતું. તેથી ઘર ખર્ચ અને તેમની જરૂરિયાત પુરી કરવા માટે તેઓ દારૂની હોમ ડિલિવરી કરે છે. ગત 24 જુલાઈના રોજ તુલસી હોટલ, વરાછા ચોપાટી પાસે દારૂની ડિલિવરી કરવા માટે અજય સવાણીને ફોન આવ્યો હતો. તે સમયે અજયે બ્લેક ડોગ બ્રાન્ડની દારૂની બોટલ ની ડિલિવરી કરી હતી ત્યારપછી 24 તારીખના ફરીથી અજય સવાણીને દારૂની બોટલની ડિલિવરી માટે ફોન આવ્યો હતો. તે સમયે એક અજાણ્યા ઇસમે તુલસી હોટલ પાસે આવીને પોતાની ક્રેટા ગાડીમાં અજય સવાણીને બેસાડી દીધો હતો. અને પોતે પોલીસ હોવાની ઓળખ આપી તેમજ કારમાં આગળ પી.આઈ સાહેબ બેઠા છે તેમ જણાવ્યું હતું. અને બાદમાં દારૂનો સ્ટોક ક્યાં મુકયો છે તેમ ધમકી ભર્યા સ્વરમાં બોલીને તેને માર માર્યો હતો. ત્યારે ગભરાઇ ગયેલા અજય સવાણીએ પોતાનું ઠેકાણુ બતાવી દીધુ હતુ. જેથી આ લોકોએ અજયને કેસ કરવાની ધમકી આપી અને કહ્યું કે જો કેસ ના થવા દેવો હોય તો બે લાખ રૂપિયા આપી દે. તેથી અજય ગભરાઈ ગયો અને તેણે તેના મિત્રો અને પત્નીને ફોન કરીને પૈસા મંગાવ્યા હતા. અને આ લોકોને 1.92 લાખ જેટલી રકમ આપી હતી. પૈસા લીધા પછી આ લોકોએ અજયને આ વાત કોઈને પણ ના કરવાની ધમકી આપી હતી.
નોંધનીય છે કે, પોતાની સાથે આ ઘટના બન્યા પછી અજયે આ મામલે તેના મિત્રો સાથે વાત કરીને તપાસ કરાવી હતી. જેમાં તેને જાણવા મળ્યું કે આવું તો કઈ બન્યું જ ના હોવાનું જાણવા મળ્યું હતું. તેથી અજયે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવા ગયો હતો. ત્યારે ત્યાં હાજર કોન્સ્ટેબલને જોઈને આ ઘટનાનો ભાંડો ફૂટી ગયો હતો. હાલ તો આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.