healthIndia

કોરોના વાયરસને કારણે રદ્દ થશે IPL ? મહારાષ્ટ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રીએ આપી ચેતવણી

કોરોના વાયરસની અસર હવે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) પર પડી શકે છે. મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે સંકેત આપ્યો છે કે IPL નું સમયપત્રક બદલાઈ શકે છે. કોરોના વાયરસના પગલે ભીડ એકત્રીત થવાનું અટકાવવા સરકાર IPL જેવી મોટી ઇવેન્ટ ટાળવાનું વિચારી રહી છે.

આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે કહ્યું કે મોટા કાર્યક્રમો પહેલેથી જ રદ કરવામાં આવી રહયા છે. લોકોનું જીવન કિંમતી છે. ગીચ સ્થળોએ વાયરસ ફેલાવાનું જોખમ ખૂબ વધારે છે, તેથી અમે IPL ને મોકૂફ રાખવાની સંભાવનાઓની ચર્ચા કરી રહ્યા છીએ, અમે તેના વિશે અભિપ્રાય માંગ્યો છે.

મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાનના નિવેદન પછી, સૌરવ ગાંગુલીએ જવાબ આપ્યો કે આઈપીએલ મુલતવી રાખવામાં નહીં આવે અને તેના સમયપત્રક મુજબ આયોજન કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે અગાઉ બીસીસીઆઈએ આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું અને કહ્યું હતું કે આઈપીએલ 2020 ચાલુ રહેશે અને કોરોના વાયરસ સંબંધિત તમામ જરૂરી પગલાં લેવામાં આવશે.

કોરોના વાયરસ અંગે બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીએ શુક્રવારે સ્પષ્ટ કર્યું હતું કે આઈપીએલ મેચનું આયોજન થશે. 29 માર્ચથી શરૂ થનારી આ ટુર્નામેન્ટ માટે બોર્ડ દરેક જરૂરી પગલા લેવા તૈયાર છે. આરોગ્ય મંત્રાલય દ્વારા પ્રાપ્ત સત્તાવાર માહિતી અનુસાર, ભારતમાં કોરોના વાયરસના 41 કેસોની પુષ્ટિ થઈ છે.

બીસીસીઆઈના જણાવ્યા અનુસાર, કોરોના વાયરસના ભયને ધ્યાનમાં રાખીને જરૂરી સાવચેતી અને સરકારના સૂચનોનું પાલન કરવા માટે તમામ હિસ્સેદારો, ખેલાડીઓ, ફ્રેન્ચાઇઝી, એરલાઇન્સ, ટીમ હોટલ, બ્રોડકાસ્ટિંગ ક્રૂ અને આ લીગમાં સામેલ તમામ પક્ષો કહેવામાં આવશે.બોર્ડે એમ પણ કહ્યું છે કે ખેલાડીઓને ચાહકો સાથે હાથ ન મિલાવવાનું કહેવામાં આવશે. અત્યાર સુધીમાં કોરોના વાયરસને કારણે વિશ્વભરમાં 3,300 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. તેના વધતા જતા ખતરાને લીધે ઘણી રમતગમતની ઘટનાઓ રદ કરવામાં આવી છે. આ વર્ષે જુલાઈ-ઓગસ્ટમાં જાપાનની રાજધાની ટોક્યોમાં યોજાનારી ઓલિમ્પિક ઇવેન્ટ વિશે પણ એક સવાલ ઉભા થયા છે.