Gujarat

આખરે બોટાદ APMCમાં કપાસની હરાજી શરૂ:ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

Botad: ત્રણ દિવસના વિરામ બાદ આજે બોટાદ માર્કેટિંગ યાર્ડ (APMC)માં કપાસની હરાજી ફરી શરૂ થઈ છે. યાર્ડ દ્વારા હરાજી પુનઃ શરૂ કરવાની જાહેરાત થતાં મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો કપાસ લઈને યાર્ડ ખાતે પહોંચ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ દિવસથી ‘કડદા’ પ્રથા સામે ખેડૂતોના વિરોધને કારણે યાર્ડની તમામ હરાજી પ્રક્રિયા બંધ રાખવામાં આવી હતી. આ દરમિયાન ગતરોજ (રવિવારે) આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આયોજિત ખેડૂત મહાપંચાયત દરમિયાન પોલીસ અને સ્થાનિકોમાં હિંસક અથડામણ થતાં સમગ્ર પંથકમાં તંગદિલીનું વાતાવરણ સર્જાયું હતું.

APMCના ચેરમેન મનહર માતરીયાએ જણાવ્યું હતું કે, 13 ઓક્ટોબર, સોમવારથી સવારે 9 વાગ્યાથી કપાસની હરાજી શરૂ કરવામાં આવશે. તેમણે ખેડૂતોને અપીલ કરી છે કે, તેઓ શાંતિપૂર્ણ માહોલમાં પોતાનો કપાસ વેચાણ માટે યાર્ડમાં લાવે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે યાર્ડમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

તે દરમિયાન ગઈકાલની હિંસક ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં જોવા મળે છે કે, પોલીસ ટોળાને વિખેરવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે એક પોલીસ બસ રિવર્સમાં પાછળ જઈ રહી હતી, આ દરમ્યાન કેટલાક લોકો બસની પાસે પહોંચી તેના આગળના કાચ પર પથ્થરમારો કરતા દેખાઈ રહ્યા છે.

પોલીસે આ ઘટનાની ગંભીર નોંધ લઈને પથ્થરમારો કરનારાઓ સામે ગુનો દાખલ કર્યો છે. અત્યાર સુધીમાં આશરે 20 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.