VadodaraGujarat

વડોદરામાં લોકસભા ભાજપના બૂથ પ્રમુખ સંમેલનમાં સી આર પાટીલનું મોટું નિવેદન

ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીને લઇને પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. એવામાં વડોદરા ના રાજમહેલ રોડ પર આવેલી પોલો ક્લબ ખાતે વડોદરા લોકસભાનું ભાજપનું બૂથ પ્રમુખ સંમેલન આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ હાજર રહ્યા હતા અને ભાજપ ના બૂથ પ્રમુખો અને કાર્યકરોને સંબોધન કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના 250 જેટલા કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાયા હતા. સી. આર. પાટીલ દ્વારા વડોદરા લોકસભા બેઠક જીતાડવા બૂથ પ્રમુખોને આહવાન કરવામાં આવ્યું હતું અને તેઓને કેવી રીતે આ ટાર્ગેટ પૂર્ણ કરવો તે બાબતમાં તેમના દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ સંમેલનમાં સી. આર. પાટીલ દ્વારા બુથ પ્રમુખોને સંબોધતા જણાવવામાં આવ્યું હતું કે, ‘વાદ વિવાદ માંથી બહાર આવી જાઓ, એમની માનસિકતા ઠીક નહીં હોય, જેથી કંઇ બોલી ગયા હશે, પરંતુ તેની ચિંતા કરશો નહીં અને તમે તમારી માનસિકતા તમે ઠીક રાખો. નોંધનીય છે કે, વડોદરા ના ભાજપના પૂર્વ ધારાસભ્ય જીતુ સુખડિયા દ્વારા સોમવારના ભાજપ સંગઠન સામે બળાપો ઠાલવવામાં આવ્યો હતો અને સિનિયર નેતાઓની અવગણના કરવામાં આવતી હોવાનું નિવેદન આપવામાં આવ્યું હતું.

તમને જણાવી દઈએ કે, આ પ્રસંગે સી. આર. પાટીલની સાથે ભાજપ ના બૂથ પ્રમુખો પણ હાજર રહ્યા હતા. આ સિવાય વડોદરા લોકસભા બેઠકના પ્રભારી ગોરધન ઝડફિયા, સાંસદ રંજનબેન ભટ્ટ સહિત ભાજપના અનેક નેતાઓ પણ હાજર રહ્યા હતા.

ભાજપના બૂથ પ્રમુખોને સંબોધન કરતા પ્રદેશ ભાજપ પ્રમુખ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, તમામ બેઠકો પર કોંગ્રેસની ડિપોઝીટ ડુલ થઇ જાય તે મુજબ કામ કરવાનું છે અને ગુજરાતની તમામ બેઠકો જીત મેળવવાની છે. તેની સાથે વાદ વિવાદમાંથી બહાર આવી જાઓ. કોણ શું કહે છે તેની ચિંતા કરશો નહીં. એમની માનસિકતા ઠીક નહીં હોય, જેથી કંઇ પણ બોલી ગયા હશે. પરંતુ તેની ચિંતા કરશો નહીં, તમે તમારી માનસિકતા ઠીક રાખો. મોદી સાહેબને જીતાડવાના છે. આટલુ જ તમે યાદ રાખજો.