સુરત બેઠક પર ભાજપની જીત પર સી આર પાટીલનું મોટું નિવેદન
લોકસભા ચૂંટણીમાં આજે ફોર્મ પરત ખેંચવાના દિવસે જ ભાજપ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. કેમકે લોકસભા ચુંટણી પહેલા જ પ્રથમ જીત પ્રાપ્ત કરી લીધી છે. ભારે રાજકીય ઉથલપાથલ બાદ સુરત બેઠક પર ભાજપને જીત પ્રાપ્ત થઈ ગઈ છે. તમામ ઉમેદવારો દ્વારા ફોર્મ પરત ખેંચી લેતા સુરત બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ વિજેતા જાહેર કરાયા હતાં. મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા મુકેશ દલાલને જીતનું સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યું હતું. ત્યારે ભાજપની આ જીત બદલ મુખ્યમંત્રી અને સીઆર પાટીલ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે, દેશભરમાં ભાજપનો આ વખતે 400 પ્લસનો ટાર્ગેટ રહેલો છે. જયારે સીઆર પાટીલ દ્વારા શુભકામના આપતા જણાવવામાં આવ્યું હતું કે, પ્રથમ કમળ સુરતથી ખીલી ઉઠ્યું છે. આ જ રીતે દેશભરમાં ભાજપની ભવ્ય જીત થવાની છે. તેની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી એકવાર દેશનું સુકાન સંભાળવાના છે.
તેની સાથે મુખ્યમંત્રી દ્વારા ટ્વિટ કરીને જણાવવામાં આવ્યું છે કે, સુરત લોકસભા બેઠકઅં ઉમેદવાર મુકેશભાઇ દલાલ ને બિનહરીફ જીત મેળવવા હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ. લોકસભા ચૂંટણીમાં ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટીના ઐતિહાસિક વિજયની આ શરૂઆત થઈ છે. ગુજરાતમાં તમામ 26 બેઠકો પર ભાજપાના પ્રચંડ વિજય સાથે કમળ ખીલવાનો અને માનનીય મોદીજીના નેતૃત્વમાં #AbKiBaar400Paar નો સંકલ્પ સાકાર થવાનો આ સ્પષ્ટ સંકેત દેખાઈ રહ્યા છે.