AhmedabadGujaratUncategorized

વોટ્સએપ પર આવો મેસેજ આવે તો ચેતી જજો, સાયબર ક્રાઈમે વોટ્સએપ હેક કરી પૈસા પડાવતો આરોપી ઝડપ્યો

સાયબર ક્રાઈમની ટીમ દ્વારા વોટ્સએપ હેક કરી પૈસા પડાવતી ગેંગનો એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આરોપી દ્વારા વોટ્સએપ હેક કરીને મિત્રોને મેસેજ કરીને પૈસા મંગાવીને છેતરપિંડી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. ઝારખંડથી આરોપીની ધરપકડ કરીને સાયબર ક્રાઇમની ટીમ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

સાયબર ક્રાઈમની ટીમ દ્વારા વોટ્સએપ હેક કરીને છેતરપિંડી કરવાના કેસમાં એમ. ડી  રિઝવાન ઉર્ફે મોહમંદ દાનીસ નામના આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. આરોપીની વાત કરીએ તો તે ઝારખંડ રાજ્યના જમશેદપુર નો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આરોપી દ્વારા રિઝવાને અમદાવાદના એક યુવકનું વોટ્સએપ હેક કરી તેનો એક્સેસ પ્રાપ્ત કરી તેના મિત્રો પાસેથી પૈસા મંગાવી છેતરપિંડી આચરવામાં આવી હતી. સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ટેકનિકલ એનાલિસિસ દ્વારા આરોપીને ઝારખંડથી ધરપકડ કરી લેવામાં આવ્યો હતો.

વધુમાં તમને જણાવી દઈએ કે, આરોપી રિઝવાને ફરિયાદીને ફોન કરી પોતે કુરિયર બોય ની ઓળખ આપી હોવાનું જણાવ્યું હતું. કુરિયર મેળવવા માટે ફરીયાદીને વોટ્સએપ દ્વારા લિંક મોકલવામાં આવી હતી. જે લિંક ઓપન કરતા આરોપી દ્વારા વોટ્સએપ હેક કરીને તમામ એક્સેસ પ્રાપ્ત કરી લેવામાં આવ્યા હતા. આરોપી 10 પાસ છે જ્યારે ઝારખંડમાં ઠગાઈ કરનાર ગેંગ પાસેથી છેતરપિંડીની તાલીમ મેળવીને ઠગાઈના ધંધામાં આવી ગયો હતો. આ ઠગ ગેંગ પાસેથી હેક કરવાની લિંક પાંચ હજારમાં ખરીદી હતી અને વોટ્સએપ હેક કરવાની મોડ્સ ઓપરેન્ડી થી ઠગાઈ શરૂ કરી દીધી હતી.

તમને જણાવી દઈએ કે, આરોપી દ્વારા 20 થી 25 લોકોને મેસેજ કરવામાં આવ્યા હતા. તેમની પાસેથી 25 હજાર અને 9 હજારની રોકડ મંગાવીને છેતરપીંડી આચરવામાં આવી હતી. આ ઠગ આરોપી દ્વારા 3 થી 4 લોકોને ટાર્ગેટ કર્યા હોવાની જાણકારી સામે આવી છે. હાલમાં સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીનો મોબાઈલ જપ્ત કરી વધુ તપાસ શરુ કરી છે.