ચક્રવાત બિપરજોય: મુંબઈ-સૌરાષ્ટ્રથી કેરળ સુધી દરિયામાં મોટી હલચલ, દ્વારકા-કચ્છ પર સૌથી વધુ ખતરો,PM મોદી કરશે બેઠક
Cyclone Biparjoy live :ચક્રવાતી તોફાન બિપરજોય રવિવારે તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે અને તે ભારત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ અંગે સાત રાજ્યોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં તેની અસર જોવા મળશે. જેને લઈને ગુજરાતમાં હવામાન વિભાગે યલો એલર્ટ બદલીને ઓરેન્જ એલર્ટ કરી દીધું છે. આજે પીએમ મોદી બિપરજોયને લઈને એક ખાસ બેઠક પણ કરવાના છે.
ચક્રવાતી તોફાન બિપરજોયે ભારતમાં સમુદ્રના પશ્ચિમ કિનારે તેનું ઉગ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું છે. મુંબઈથી કેરળ સુધીના દરિયાકાંઠે દરિયામાં ઊંચા મોજા જોવા મળી રહ્યા છે અને પવનની ગતિ વધી રહી છે. હાલના સંકેતો મુજબ, કચ્છ અને દ્વારકા ચક્રવાતથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લા હશે. ચક્રવાત 14 અને 15 જૂનની રાત્રે માંડવી અને કરાચી વચ્ચે ગુજરાતના દરિયાકાંઠેથી પસાર થવાની સંભાવના છે.
આ પણ વાંચો: ચક્રવાત બિપરજોય અત્યંત ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાયું, આ કોઇ સામાન્ય ચક્રવાત નથી
આ પણ વાંચો: ‘બિપોરજોય’ વાવાઝોડાને લઈને સ્કાયમેટે કરી મોટી આગાહી
ચક્રવાત બિપરજોયના કારણે ગુજરાતના કચ્છ વિસ્તારમાં વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના પગલા રૂપે કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ કલમ 12 જૂનથી 16 જૂન સુધી લાગુ રહેશે.બિપરજોયના કારણે અદાણી મુંદ્રા પોર્ટ પર 4 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.નાના જહાજોનું સંચાલન ચાલુ રહેશે.સાવચેતીના પગલા તરીકે મોટા જહાજોને દરિયામાં જ રહેવાની સૂચના આપવામાં આવી હતી.હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલે સવારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.