બિપોરજોય વાવાઝોડાની ઝડપ વધી : ગુજરાત તરફ આવે એ પહેલા જ ભુજમાં બે બાળકોના જીવ લીધા, જાણો વિગતે

અરબ સાગરમાં સર્જાયેલ બિપોરજોય વાવાઝોડું રોદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. બિપોરજોય વાવાઝોડાની વાત કરવામાં આવે તો તે પોરબંદરથી 310 અને દ્વારકાથી 340 કિલોમીટર દૂર રહેલું છે. તેની સાથે વાવાઝોડું ધીમે-ધીમે સતત આગળ વધી રહ્યું છે. આ ચક્રવાતને લઈને મોટી જાણકારી સામે આવી છે કે, બિપોરજોય વાવાઝોડું 15 જૂનના ગુજરાતના દરિયા કાંઠે ટકરાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.
તેની સાથે હવામાન વિભાગ દ્વારા 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે આજે કચ્છમાં દરિયા કિનારાના વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા કલમ 144 લાગુ કરી દેવાઈ છે. તેમાં આજ મધ્યરાત્રિથી દ્વારકામાં પણ કલમ 144 લાગુ કરાશે. ઓખાનો દરિયો હાલ ગાંડો બન્યો છે અને સતત ઉંચા મોજા ઉછળી રહ્યા છે. એવામાં ભૂજમાં વાવાઝોડાની ભારેભરખમ અસર જોવા મળી રહી છે. ભુજના લખુરાઈ ચાર રસ્તા પાસે દીવાલ ધરાશાયી થતા બે બાળકો ના કરુણ મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે એકને ઈજા પહોંચી છે. ભારે પવનના લીધે દીવાલ ધરાશાયી થતા મૃતક બાળકોના પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, આજ સાંજના ભુજના લખુરાઈ ચાર રસ્તા રહેણાક વિસ્તારમાં વંટોળના લીધે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ વિસ્તારથી બે પિતરાઈ ભાઈ બહેન પસાર થઈ રહ્યા હતા તે સમયે વંટોળના લીધે અચાનક દીવાલ તૂટતા બંને ભાઈ-બહેન દબાઈ ગયા હતા. તે કારણોસર બંને ભાઈ-બહેનનું કરુણ મોત નીપજ્યું હતું.
તમને જણાવી દઈએ કે, ચાર વર્ષીય મોહમ્મદ ઇકબાલ કુંભાર અને તેની છ વર્ષીય પિતરાઈ બહેન શહેનાઝ ફિરોજ કુંભાર થોડા જ અંતર પર આવેલ તેમના ઘર તરફ જઈ રહ્યા હતા તે સમયે ખાલી પ્લોટની પાસેથી જઈ રહ્યા હતા. તે સમયે ભારે પવનના લીધે તે બંને દીવાલ પાસે ઉભા રહી ગયા હતા તે સમયે અચાનક દીવાલ ધરાશાયી થતા બંને બાળકો અને બત્રીસ વર્ષીય રોષનબેન કુંભાર ઈંટ ની દીવાલ ની નીચે દબાઈ ગયા હતા. ત્યાર બાદ તેમને સારવાર માટે ખાનગી વાહન મારફતે જીકે જનરલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યાં બંને બાળકોના સારવાર મળે તે પહેલા જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે મહિલાને ઈજા પહોંચતા તે હાલ સારવાર હેઠળ રહેલ છે. આ બનાવના ઘટના સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.