હિન્દૂ સંગઠનોની માંગ સ્વીકારાઈ, ભાવનગર શહેરમાં અશાંત ધારો લાગુ
ભાવનગર શહેરમાં વર્ષોથી હિન્દૂ સંગઠનો દ્વારા અશાંતધારો લાગુ કરવા માટે સતત પ્રયત્નો કરવામાં કરવામાં આવતા હતા. આ માટે અનેક રેલીઓ કાઢી તેમજ આવેદન પત્રો આપ્યા અને સરકારને રજુઆત કરવામાં આવી હતી. ત્યારે ભાવનગર શહેરમાં અશાંત ધારો લાગુ કરવા માટે ચાલી રહેલા પ્રયત્નો નો અંત આવ્યો છે અને સરકાર દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ભાવનગર શહેરમાં વર્ષોથી હિન્દૂ સંગઠનો દ્વારા અનેક રેલીઓ કાઢવામાં આવતી હતી તેમજ આવેદનપત્ર પણ આપવામાં આવ્યા હતા. ત્યારે ત્રણ દિવસ પહેલા હિન્દૂ સંગઠનોએ અશાંતધારો લાગુ કરવા માટે 10 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું. આ અલ્ટીમેટમ પૂરું થતા જ હિન્દી સંગઠનોએ શહેરના મોખડાજી સર્કલ ખાતે સૂત્રોચાર સાથે દેખાવો કર્યા હતાં. ધારાસભ્ય સેજલબેન પંડ્યાના ઘરની બહારની બાજુ પણ કેટલાક લોકોએ રામધુન નો કાર્યક્રમ રાખેલ હતો પરંતુ પોલીસે તે કાર્યક્રમને અટકાવી દીધો હતો. ત્યારે આખરે સરકારે હિન્દુ સંગઠનોની માંગને માની લઈને ભાવનગર શહેરના પૂર્વ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરી દીધો છે.
ભાવનગર શહેરના રાણીકા, ભગાતળાવ, બોરડીગેઇટ, ગીતા ચોક,પ્રભુદાસ તળાવ, મુનિ ડેરી, ડેરી રોડ, ડોન ચોક, જૂની માણેકવાડી, તિલકનગર, આનંદ નગર,નવી માણેકવાડી, મેઘાણી સર્કલ, ક્રેસન્ટ, ઘોઘા સર્કલ, આંબાવાડી, સરદાર નગર, રૂપાણી સર્કલ, શિશુવિહાર, ભરતનગર, ખેડૂત વાસ, કરચલિયા પરા અને શિવાજી સર્કલ વિસ્તારોમાં સરકાર દ્વારા અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે.