આસ્થા ટ્રેનમાં વડોદરાથી અયોધ્યા જવા નીકળેલા શ્રદ્ધાળુનું હાર્ટ એટેકથી કરુણ મોત

અયોધ્યામાં ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ દેશભરમાંથી શ્રદ્ધાળુઓ સતત દર્શન કરવા માટે જઈ રહ્યા છે. તેની સાથે રામ ભક્તો માટે સરકાર દ્વારા હાલ ખાસ આસ્થા ટ્રેન શરૂ કરવામાં આવી છે. ત્યારે આ આસ્થા ટ્રેનથી દુઃખદ મામલો સામે આવ્યો છે. કેમકે એક રામ ભક્ત રામલલ્લાના દર્શન કરે તે પહેલા જ તેમને હાર્ટ એટેક આવતા મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. આસ્થા ટ્રેનથી અયોધ્યા જઈ રહેલા વડોદરા ના પાદરા તાલુકાના રામભક્ત અશોકભાઈ પુંજાભાઈ પરમાર નું મૃત્યુ નીપજ્યું છે. એવામાં ચાલુ ટ્રેનમાં રામભક્ત નું મૃત્યુ થતાં સમગ્ર ટ્રેનમાં શોકનો માહોલ ઉભો થઈ ગયો હતો.

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મજાતન ગામના રહેવાસી અને રામભક્ત અશોકભાઈ પુંજાભાઈ પરમાર રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં બેસીને રામલલ્લાના દર્શન માટે નીકળ્યા હતા. રામભક્ત અશોકભાઈ દ્વારા અયોધ્યા મંદિરમાં જઈને રામલલ્લાના દર્શન કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ અયોધ્યાથી ટ્રેન મારફતે વડોદરા પરત આવી રહ્યા હતા. તે દરમિયાન મધ્યપ્રદેશ ના જબલપુર નજીક વહેલી સવારના રામભક્ત અશોકભાઈને ચાલુ ટ્રેનમાં હાર્ટ એટેક આવી ગયો હતો. જ્યારે સારવાર મળે તે પહેલા જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

હાલમાં જબલપુર રેલવે પોલીસ વિભાગ દ્વારા અશોકભાઇના મૃતદેહને જબલપુર ની સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે મૃતદેહને મોકલી દેવાયો છે. ઘટનાની જાણકારી પાદરા ખાતે મજાતન ગામમાં અશોકભાઈ ના પરિવારજનોને  કરી દેવામાં આવી છે. તેના લીધે તેમના પરિવારજનો અશોકભાઈ ના મૃતદેહને લેવા મધ્યપ્રદેશ ના જબલપુર ખાતે રવાના થઈ ગયા હતા. તેમના મૃતદેહને વતન મજાતન લાવીને અંતિમં સંસ્કાર કરાશે.