GujaratInternationalUSA

ઈરાન-અમેરિકા યુદ્ધમાં દીવના યુવક દીક્ષિત સોલંકીનું મોત

ઓમાનના દરિયાઈ વિસ્તારમાં ઓઇલ ટેન્કર પર થયેલા મિસાઇલ હુમલામાં દીવના 25 વર્ષીય યુવાન દીક્ષિત અમરીક સોલંકીનું કરુણ અવસાન થયું છે. આ દુર્ઘટનાની ખબર મળતા જ મૃતકના પરિવારજનો તેમજ ખારવા સમાજમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.પોર્ટ સુલ્તાન કાબૂસ નજીક સમુદ્રમાં ‘MT સ્કાય લાઈટ’ નામના ઓઇલ ટેન્કર પર અચાનક મિસાઇલ હુમલો થયો હતો. જહાજમાં કુલ 21 ક્રૂ મેમ્બરો હતા, જેમાં 16 ભારતીય, 4 બાંગ્લાદેશી અને 1 યુક્રેની નાગરિકનો સમાવેશ થતો હતો.

હુમલા સમયે દીક્ષિત સોલંકી જહાજના એન્જિન રૂમમાં રીડિંગ લેવાની ફરજ બજાવી રહ્યો હતો. મિસાઇલ અથડાતા જ એન્જિન રૂમમાં જોરદાર વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળી હતી. ગંભીર ઇજાઓને કારણે દીક્ષિતનું સ્થળ પર જ દુઃખદ મોત થયું હતું.

હુમલા બાદ તરત જ નજીકમાં રહેલા ‘MV SAND’ જહાજ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને અન્ય 20 ક્રૂ મેમ્બરોને સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. હાલ ક્ષતિગ્રસ્ત ટેન્કર પર રોયલ નેવી સતત નજર રાખી રહી છે.

દીક્ષિત સોલંકી મૂળ દીવના ભાવસારવાડા વિસ્તારનો વતની હતો, જ્યારે તેનો પરિવાર હાલમાં મુંબઈના કાંદિવલી વિસ્તારમાં રહે છે. તે અપરિણીત હતો. વધુ દુઃખદ બાબત એ છે કે માત્ર એક મહિના પહેલાં જ તેની માતાનું અવસાન થયું હતું. માતાના નિધનના દુઃખમાંથી પરિવાર બહાર આવી શકે તે પહેલાં જ યુવાન દીકરાના મોતના સમાચાર મળતા પરિવાર પર ફરી દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.