Gujarat

ગુજરાતના અંબાજી મંદિરમાં પણ દાનચોરી, ગણતરી વખતે નોટનું બંડલ ચોર્યું

અયોધ્યાના રામમંદિરમાં દાનની ચોરીનો મુદ્દો દેશભરમાં ચર્ચામાં છે, ત્યારે ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરમાં બનેલી દાનચોરીની ઘટનાના જૂના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર ફરી વાયરલ થયા છે. વીડિયો વાયરલ થતાં અંબાજી મંદિરની ભંડાર કક્ષમાં થયેલી ચોરીનો મામલો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.

વાયરલ વીડિયોમાં આઉટસોર્સિંગ કર્મચારી ચિરાગ ઠાકોર અન્ય કર્મચારીઓ સાથે દાનની નોટોની ગણતરી કરતો જોવા મળે છે. આ દરમિયાન તે ચાલાકીથી નોટોનું એક બંડલ પોતાના પગ નીચે સંતાડતો હોવાનું પણ CCTVમાં સ્પષ્ટ દેખાય છે. નોંધનીય છે કે, 5 મેના રોજ ચિરાગ ઠાકોર નોટોનું બંડલ ચોરવાના પ્રયાસ દરમિયાન રંગેહાથ ઝડપાઈ ગયો હતો. તપાસ દરમિયાન તેની સાથે વિવેક શર્મા અને નિકુંજ પટેલની સંડોવણી પણ સામે આવતા પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી.

મળતી માહિતી મુજબ, ભંડાર કક્ષમાં દાનની ગણતરી ચાલી રહી હતી ત્યારે ચિરાગ ઠાકોરે નોટોનું બંડલ છુપાવી દીધું હતું. ત્યારબાદ બાથરૂમ જવાનું બહાનું બનાવી તે બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, તેના ખિસ્સામાંથી ₹1.04 લાખની રોકડ ભરેલું બંડલ નીચે પડી જતાં ત્યાં હાજર કર્મચારીઓની નજર તેના પર પડી હતી. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓને માહિતી આપવામાં આવી અને સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

ઘટના બાદ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટરે કડક કાર્યવાહીનો આદેશ આપ્યો હતો. અધિક કલેક્ટરની ફરિયાદના આધારે પોલીસે મુખ્ય આરોપી ચિરાગ ઠાકોર સહિત વિવેક શર્મા અને નિકુંજ પટેલ સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. કોર્ટે સહ-આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા હતા. તપાસ દરમિયાન પોલીસે ચોરાયેલી રકમમાંથી ₹500ની 208 નોટો પણ કબજે કરી હતી.

આ ઘટનાને ગંભીરતાથી લઈ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે ભંડાર ગણતરીની સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા વધારવા નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) અમલમાં મૂકી છે.નવી વ્યવસ્થા મુજબ હવે ભંડાર ગણતરીની સમગ્ર પ્રક્રિયાનું મંદિર પરિસરમાં લગાવવામાં આવેલી મોટી LED સ્ક્રીન પર લાઈવ પ્રસારણ કરવામાં આવે છે, જેથી શ્રદ્ધાળુઓ અને સામાન્ય લોકો પણ સમગ્ર કામગીરી પારદર્શક રીતે જોઈ શકે.