CrimeIndiaInternationalNews

સાઉદી અરેબિયામાંથી 4 કિલો સોનું લાવ્યા પણ એવી જગ્યાએ છુપાવ્યું હતું કે..

ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ મંગળવારે મુંબઈ એરપોર્ટ પર 2.58 કરોડ રૂપિયાની કિંમતનું 4 કિલો દાણચોરીનું સોનું(Gold) જપ્ત કર્યું હતું. આ અંગે માહિતી આપતા ડીઆરઆઈના એક અધિકારીએ જણાવ્યું કે આ કેસમાં દેશમાં ગેરકાયદેસર રીતે સોનું લાવનારા 2 હવાઈ મુસાફરો સહિત 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

બંને મુસાફરો સવારે સાઉદી અરેબિયાના જેદ્દાહથી છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા હતા. તેમણે કહ્યું કે આરોપીઓના સામાનની શોધ કર્યા પછી, ડીઆરઆઈના કર્મચારીઓએ તેમની પાસેથી 2.58 કરોડ રૂપિયાની કિંમતનું કુલ 4 કિલો દાણચોરીનું સોનું રિકવર કર્યું.

પેસેન્જરોએ દાણચોરી માટે ઘણી અદ્ભુત યુક્તિઓ અજમાવી હતી, પરંતુ તેઓ ડીઆરઆઈની નજરથી બચી શક્યા ન હતા. ગુપ્ત માહિતીના આધારે મુસાફરોની ઓળખ કરીને તલાશી લેવામાં આવી હતી. તલાશી દરમિયાન તેના અંદરના વસ્ત્રોમાંથી મીણના રૂપમાં એક કિલોગ્રામ સોનાની ડસ્ટ મળી આવી હતી. સોનાની ડસ્ટ કાળજીપૂર્વક તેના આંતરિક વસ્ત્રોમાં સીવવામાં આવી હતી. જ્યારે તેના સામાનની ચકાસણી કરવામાં આવી ત્યારે ત્રણ મિક્સર-ગ્રાઇન્ડર ખૂબ જ ભારે જણાતા હતા. જ્યારે મિક્સરનો ભાગ કાપવામાં આવ્યો ત્યારે અંદરથી 2 કિલો સોનાના ટુકડા મળી આવ્યા હતા.

ડીઆરઆઈ અધિકારીએ કહ્યું કે આ પછી જાણવા મળ્યું કે બે વ્યક્તિ આ મુસાફરો પાસેથી સોનાનો પુરવઠો લેવા માટે આવ્યા હતા અને એરપોર્ટની બહાર તેમની રાહ જોઈ રહ્યા હતા. આ પછી ડીઆરઆઈના જવાનોએ છટકું ગોઠવીને તેમને પણ પકડી લીધા હતા. બે હવાઈ મુસાફરો સહિત કુલ ચાર લોકોની કસ્ટમ્સ એક્ટ 1962ની સંબંધિત જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. તમને જણાવી દઈએ કે દાણચોરો દ્વારા વિવિધ પદ્ધતિઓ અપનાવવામાં આવી હોવા છતાં, દેશના મોટા એરપોર્ટ પર દાણચોરી કરતું સોનું અને અન્ય સામાન અવારનવાર પકડાય છે.