તંત્રની બેદરકારીને કારણે પાટણ શહેરમાં આવેલી ગાયકવાડ સમયની સબજેલ બની ખંડેર, બારી બારણાંની પણ થઈ ગઈ ચોરી
પાટણ શહેરનાં ભદ્ર વિસ્તારમાં આવેલી ગાયકવાડ સમયની પ્રાચીન સબ જેલની હાલત અત્યંત ખરાબ થઈ છે. યોગ્ય ઉપયોગ નહીં થવાના કારણે આ સબજેલ કેટલાય સમયથી અસામાજિક તત્વોનો અડ્ડો બની હતી. તંત્રએ ધ્યાન ના આપતા આ જેલની હાલત ખંડેર જેવી બની ગઈ છે. જેલ પરિસરમાં પણ ઝાડી-ઝાંખરા ઉગી જવાના કારણે આ સબજેલ ‘ભૂત બંગલા’ જેવી લાગે છે.
ઉલ્લેખનીય છે કે, પાટણ શહેરમાં ભદ્ર વિસ્તારમાં આવેલી ગાયકવાડ સમયની સબજેલ હાલ ખંડેર જેવી થઈ ગઈ છે. સજનીપુર ખાતે નવી સબજેલ બન્યા પછી આ જેલને બંધ કરી દેવામાં આવી હતી. ત્યારે આ પ્રાચીન જેલનું તંત્ર દ્વારા ધ્યાન ના રાખતા આજે આ સબજેલના પરિસરમાં ઝાડી-ઝાંખરા ઊગી ગયા છે. સબજેલની હાલત હાલ એટલી બધી ખરાબ થઇ ગઇ છે કે, જેલની અંદરની બાજુએ આવેલા 4 જેટલા અંધારિયા બેરેકોનાં લોખંડનાં સળીયાવાળા બારી-બારણાંઓ ફ્રેમો સાથે ચોરાઇ ગયા છે, તો તેની સામેની બાજુના ભાગે જે તે સમયે ડ્યુટી પર રહેતા જેલગાર્ડની ઓફિસ તેમજ તેની બાજુની મહિલા કેદીની જેલનાં બારી-બારણાં તેમજ મોટી જાળીઓની પણ ચોરી થઈ ગઈ છે. જેને કારણે તમામનાં દરવાજા ખુલ્લા ફટાક થઇ ગયા છે. આમ સંબંધિત અધિકારીઓ દ્વારા આ પ્રાચીન સબજેલનું ધ્યાન ના રાખવાના કારણે આ સબજેલની હાલત ખંડેર જેવી થઈ છે.
નોંધનીય છે કે, આ સબજેલમાંથી તે વખતની મજબૂત લોખંડની જાળીઓ તેમજ સળીયા વગેરે સામાનની ફ્રેમ સાથે ચોરી થવાના કારણે સરકારી મિલકતને નુકશાન પહોંચ્યું છે. અને આ બાબતની જાણ સંબંધિત તંત્ર કે અધિકારીને કદાચ એટલા માટે નથી થઇ કારણ કે આ બંધ જેલની વિઝીટ જવાબદાર તંત્રના અધિકારીએ ક્યારેય કરી જ ન હોય તેવુ લાગે છે. ત્યારે આ જેલનાં પરિસરમાં જરૂરી હોય તે તમામ રિપેરીંગ મામ કરીને તેને કોઇ અન્ય કચેરી કે સંસ્થા માટે ઉપયોગમાં લેવામાં આવે તો આ પ્રાચિન ધરોહરની જાણવણી થશે.