‘પહેલાં છોકરીઓનાં લગ્ન 14-15 વર્ષની ઉંમરે થતાં, 17 વર્ષની ઉંમરે માતા બની જતી’, ગુજરાત હાઇકોર્ટે આવું કેમ કહ્યું?
ગુજરાત હાઈકોર્ટે 17 વર્ષની છોકરી દ્વારા તેની સાત મહિનાની ગર્ભાવસ્થાને સમાપ્ત કરવા માટે દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન ગુરુવારે મૌખિક રીતે કહ્યું કે પહેલા છોકરીઓના લગ્ન 14-15 વર્ષની ઉંમરે લગ્ન થઈ જતાં હતા અને 17 વર્ષની ઉંમરે માતા બની જતી હતી. આ વિચિત્ર ટીપ્પણીઓ બળાત્કારનો ભોગ બનેલી એક સગીર બાળકીને લઈને કરવામાં આવી હતી, જેના પિતાને તેની ગર્ભાવસ્થાના સાત મહિના પછી તેની ગર્ભાવસ્થા વિશે ખબર પડી હતી. આ પછી તેણે કોર્ટમાં અરજી દાખલ કરીને બાળકીની ઉંમરને જોતા મેડિકલ એબોર્શનની માંગ કરી હતી.
જેમ જેમ વકીલે ગર્ભપાત માટે દબાણ કર્યું ત્યારે ન્યાયાધીશ સમીર જે દવેએ કહ્યું કે જૂના સમયમાં, છોકરીઓ માટે 14-15 વર્ષની ઉંમરે લગ્ન કરવા અને 17 વર્ષની ઉંમર પહેલાં બાળકો પેદા કરવા સામાન્ય હતું.. તમે તે વાંચશો નહીં પરંતુ આ માટે તમારે એકવાર મનુસ્મૃતિ અવશ્ય વાંચવી જોઈએ.
સગીર છોકરીના પિતા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સિકંદર સૈયદે કોર્ટમાં વહેલી સુનાવણી માટે અપીલ કરી કારણ કે 18 ઓગસ્ટના રોજ ડિલિવરીની સંભવિત તારીખ હતી. જો કે કોર્ટે સ્પષ્ટ કર્યું કે ભ્રૂણ અને બાળકી બંનેની સ્થિતિ સારી છે.કોર્ટે બાળકીની મેડિકલ તપાસ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે રાજકોટની સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટને સિવિલ હોસ્પિટલના તબીબોની પેનલ દ્વારા તાત્કાલિક ધોરણે સગીર બાળકીની તબીબી તપાસ કરાવવાનો આદેશ આપ્યો છે.
હવે મેડિકલ તપાસ બાદ ડોક્ટરોની પેનલ પોતાનો રિપોર્ટ રજૂ કરે પછી જ કોર્ટ આ અરજી પર નિર્ણય લેશે. કોર્ટે આ કેસની આગામી સુનાવણી 15 જૂનના રોજ નિયત કરી છે. કોર્ટના આ મહત્વપૂર્ણ નિર્ણય પર તમામની નજર ટકેલી રહેશે.