હવે પાવાગઢમાં દર્શનાર્થીઓને મળશે વધુ એક સુવિધા, ખાસ વૃદ્ધ અને દિવ્યાંગ દર્શનાર્થીઓની તકલીફ થશે દૂર.
પાવાગઢ ધામમાં મહાકાળી માતાના દર્શન કરવા માટે આવતા દર્શનાર્થીઓ માટે એક ખૂબ સારા સમાચાર આવ્યા છે. મંદિરની ભવ્ય ડિઝાઇન તૈયાર થયા બાદ વધુ એક સુવિધા ઉભી કરવાની દિશામાં નવો નિર્ણય લેવામાં આવ્યો છે. સિનિયર સિટીઝન અને દિવ્યાંગ દર્શનાર્થીઓને ધ્યાનમાં રાખીને અહીં રોપવેથી મંદિર સુધી પહોંચવા માટે બે લિફ્ટ બનાવવામાં આવશે. કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢના ટ્રસ્ટી વિનોદ વરિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ભક્તોને વધુ સુવિધા મળી રહે તે માટે લિફ્ટનું નિર્માણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પાવાગઢ મંદિરે દર્શન માટે આવતા ભક્તોએ રોપવેથી પહોંચ્યા બાદ 450 પગથિયાં ચઢીને મંદિર સુધી પહોંચવું પડે છે. જેના કારણે કેટલાક વૃદ્ધ દર્શનાાર્થીઓ અને દિવ્યાંગોને અહીં પહોંચવામાં ખૂબ તકલીફ પડતી હોય છે. જેને ધ્યાનમાં રાખીને બે લિફ્ટ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ લિફ્ટ માટેનું ખાતમુહૂર્ત કરી દેવામાં આવ્યુ છે. એટલે કે ટૂંક સમયમાં પાવાગઢમાં આવનારા ભક્તોને વધુ એક સુવિધા મળશે. પાવાગઢ પર આવેલા છાસિયા તળાવથી મંદિર સુધી પહોંચવા માટે ભક્તો લિફ્ટનો ઉપયોગ કરી શકશે.
લીફ્ટના નિર્માણ પાછળના ખર્ચની માહિતી :-
અહીં બનનારી બે લિફ્ટ પાછળ 20 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. એક સમયે આ લિફ્ટ માં 20 લોકો સવાર થઈને જઈ શકશે. રોપવે માંથી ઉતર્યા બાદ મંદિર સુધીની 70 મીટરની બાકી રહેલી ઊંચાઈ આ લિફ્ટ દ્વારા કાપી શકાશે. આ લિફ્ટ હાઈ સ્પીડ લિફ્ટ હશે. આ લિફ્ટના નિર્માણનું કામ અમદાવાદની ખાનગી કંપનીને સોંપવામાં આવ્યું છે.
પાવાગઢ મંદિરના ટ્રસ્ટી વિનોદ વરિયા દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી હતી માતાજીના દર્શન કરવા આવનારા દર્શનાર્થીઓને વધુ સુવિધા મળી રહે તે માટે લિફ્ટનું નિર્માણ કરવામાં આવશે લિફ્ટના ખાતમુરત દરમિયાન સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા