GujaratJunagadhSaurashtra

બિપોરજોય ચક્રવાતની અસરને કારણે ગુજરાતના પ્રખ્યાત મંદિરો ભક્તો માટે રહેશે બંધ

ગુજરાતભરમાં બિપારજોય ચક્રવાતની અસર જોવા મળી રહી છે. 15મી જૂનના રોક સાંજના 4 કલાક પછી કચ્છ જિલ્લામાં આવેલા જખૌ આસપાસ બિપોરજોય ચક્રવાત ટકરાય તેવી સંભાવના છે. લોકોને ઓછી મુશ્કેલીઓનો સામનો કરવો પડે તે માટે થઈને રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ વાવાઝોડાની અસર જે વિસ્તારોમાં થવાની છે તે વિસ્તારોમાં આવેલા પ્રખ્યાત મંદિરો પણ વાવાઝોડાને કારણે ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, વાવાઝોડાના કારણે આવતીકાલથી ભગવાન દ્વારકાધીશનું જગત મંદિર ભક્તો માટે બંધ રાખવામાં આવશે. જો કે, પૂજારી પરિવાર દ્વારા મંદિરની સેવા પૂજા કરવામાં આવશે. તેમજ ભક્તો સોશિયલ મીડિયા દ્વારા દ્વારકાધીશના દર્શન કરી શકાશે. તો રાજ્યના બીજા ચોટીલા,પાવાગઢ,સોમનાથ અને આશાપુરા માતાજીનું મંદિર પણ વાવાઝોડાને કારણે ભક્તો માટે બાંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, અરબી સમુદ્રમાં ઉદ્દભવેલ બિપોરજોય ચક્રવાત ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલ જખૌ ખાતે ટકરાવવાની સંભાવના છે. ત્યારે લોકોને મુશ્કેલી ના પડે અને લોકોની સુરક્ષાના ભાગ રૂપે તંત્ર અને મંદિર પ્રશાસન દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.

વાવાઝોડાના લીધે ગુજરાતના 18 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવેલ છે. કચ્છ, દ્વારકા અને જામનગરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે પોરબંદર, જૂનાગઢ, મોરબી અને રાજકોટમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેની સાથે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ બનવાનો છે.