વ્યાજખોરોના ત્રાસ અને પોલીસના પ્રેશરથી કંટાળીને વેપારીએ વીડિયો બનાવીને કર્યો આપઘાતનો પ્રયાસ
રાજ્યમાં વ્યાજખોરોના ત્રાસ ને કારણે આપઘાત ના કિસ્સાઓમાં સતત વધારો થઈ થઇ રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. પરંતુ હજુ પણ વ્યાજખોરોનો ત્રાસ ઓછો થયો નથી. ત્યારે રાજ્યમાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક વ્યક્તિએ આપઘાત નો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. ત્યારે આ ઘટનાને લઈને ચોતરફ ચકચાર મચી જવા પામી છે. જો કે, આ કેસમાં પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠ્યા છે.
ઉલ્લેખનીય છે કે, પાટણ જિલ્લામાં મોબાઈલ ફોનના વેપારી એવા જૈનિક રાઠોડે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આપઘાત નો પ્રયાસ કર્યો હતો. અને તે પહેલા જૈનિક રાઠોડે પોગનો એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તે ધ્રુસકેને ધ્રુસકે રડી રહ્યો હતો. અને તેણે આ વીડિયોમાં પાટણ A ડિવિઝન પોલીસ પર પણ ગંભીર આક્ષેપો કરતા કહ્યું હતું કે, વ્યાજખોરોના ત્રાસ ને કારણે મેં A ડિવિઝન પોલીસ પાસે જઈને મદદ માગી એ મારી સૌથી મોટી ભૂલ છે. મેં મદદ માંગી ત્યારથી કોઈપણ કારણ વિના જ A ડિવિઝન પોલીસ મારા વૃદ્ધ માતા પિતાને મોડી રાત સુધી બેસાડી રાખે છે. અને પોલીસ ફરિયાદ પણ લેવામાં ના આવતી હોવાનો ઉલ્લેખ જૈનિક રાઠોડે કર્યો છે. એક તરફ વ્યાજખોરોનો ત્રાસ અને બીજી બાજુ આ લોકો દ્વારા આપવામાં આવતા પ્રેશરથી હું માનસિક રીતે સખત થાકી ગયો છું.
જૈનિક રાઠોડે વધુમાં કહ્યું હતું કે, મને પણ આપઘાત કરીને મરવાનો શોખ નથી થતો, મારે પણ જીવન જીવવું છે. પરંતુ મને હવે મદદ માટે દૂર દૂર સુધી કોઈનો સાથ દેખાતો નથી. અને મર્યા સિવાય મારી પાસે કોઈ રસ્તો બચ્યો નથી. જૈનિકે જણાવ્યું કે, પોલીસ પર સહેજ પણ વિશ્વાસ ન રાખતા અને જો વિશ્વાસ રાખવો જ હોય તો કોર્ટના જજ પર રાખજો. જૈનિકે આપઘાત કરતા પહેલા આ વીડિયો બનાવીને તેને પોતાના ફેસબુક એકાઉન્ટમાં શેર કર્યો હતો. તમને જણાવી દઈએ કે, જૈનિક રાઠોડ પાટણ ની સીટી પોઈન્ટ માર્કેટમાં મોબાઇલ શૉપ ચલાવે છે. અને આ દરમિયાન વ્યાજખોરોના વિષચક્રમાં ફસાઈ જતા જૈનિકે આખરે કંટાળીને આપઘાત કરું છું તે પ્રકારનો વીડિયો બનાવ્યો હતો.