Corona Virus ના ફેલાવાના કારણે દેશ-દુનિયામાં અફરાતફરીનો માહોલ છે ત્યારે ભારતમાં કર્ણાટકમાં કોરોના વાયરસને કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. ભારતમાં કોરોના વાયરસને કારણે મોતનો આ પ્રથમ કેસ છે. આ મૃત્યુ કર્ણાટકના કલબુર્બીમાં થયું છે. મૃતકની ઉંમર 76 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ તે દર્દી સાઉદી અરેબિયાથી પરત આવ્યો હતો. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના 75 કેસની પુષ્ટિ થઈ છે.
દિલ્હીમાં કોરોના વાયરસના 6 કેસ, હરિયાણામાં 14, કેરળમાં 17, રાજસ્થાનમાં 3, તેલંગાણામાં એક, ઉત્તર પ્રદેશમાં 11, લદાખમાં ત્રણ, તમિલનાડુમાં એક, જમ્મુ-કાશ્મીરમાં એક, પંજાબમાં એક, કર્ણાટકમાં ચાર વધુ મહારાષ્ટ્રમાં 11 કેસ સામે આવ્યા છે.દિલ્હીના સ્કૂલ-કોલેજથી લઈને સિનેમા હોલ ને 31 માર્ચ સુધી બંધ કરી દેવામાં આવ્યા છે. કોરોના વાયરસને કારણે ઉત્તરાખંડની તમામ શાળાઓ પણ 31 માર્ચ સુધી બંધ રાખવામાં આવી છે. ઘણા રમતગમતના કાર્યક્રમો રદ અથવા મુલતવી રાખવામાં આવ્યા છે, પરંતુ આ બધાની વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કોરોનાને ગભરાવાની નહીં કરવાની અપીલ કરી છે.
કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે ભારતે 15 એપ્રિલ સુધી વિશ્વના કોઈપણ દેશમાંથી આવતા લોકોનો વિઝા સ્થગિત કરી દેવાયા છે. કાર્ડ ધારકોને વિઝા મુક્ત મુસાફરી પણ 15 એપ્રિલ સુધી બંધ કરી દેવામાં આવી છે. આ પ્રતિબંધ 13 માર્ચે બપોરે 12 વાગ્યાથી તમામ એરપોર્ટ અને બંદરો પર લાગુ થશે.
રિપોર્ટ મુજબ આશરે 6 હજાર ભારતીય ઈરાનમાં ફસાયેલા છે. તેમાંય જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોના 1100 યાત્રાળુઓ ઉપરાંત, જમ્મુ કાશ્મીર અને કેરળ સહિત અન્ય રાજ્યોના 300 વિદ્યાર્થીઓ અને ગુજરાત, કેરળ અને તમિલનાડુ સહિત વિવિધ રાજ્યોના 1000 માછીમારો પણ શામેલ છે.
ભારતમાં કોરોના વાયરસનાં 52 પરીક્ષણ કેન્દ્રો છે. આ ઉપરાંત 56 જેટલા સેમ્પલ એકત્રિત કેન્દ્રો પણ બનાવવામાં આવ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા કોરોના ને મહામારી ઘોષિત કરી દેવામાં આવ્યો છે. એટલે અંદાજ લગાવી શકાય કે કોરોના એ વિશ્વભરમાં અફરાતફરી મચાવી છે.