GujaratMadhya GujaratVadodara

વડોદરામાં ધો.10ની પરીક્ષા પછીની મસ્તીએ પોલીસપુત્રનો જીવ લીધો

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ગઈકાલે એક ગંભીર અકસ્માત (Road Accident) સર્જાયો હતો, જેમાં ત્રણ સગીર બાઈક સવારો ઊભેલી કાર સાથે ધડાકાભેર અથડાતા હૃદયદ્રાવક ઘટના બની હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક પર સવાર ત્રણેય સગીરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ એક સગીરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ જોવા મળે છે કે કાર થોડું રિવર્સ લેતી હતી ત્યારે અચાનક જ પૂરપાટ ઝડપે આવતી બાઈક કારના પાછળના ભાગે જોરદાર અથડાઈ હતી. આ અથડામણમાં એક સગીરનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે સગીરોને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. મૃતકની ઓળખ અનમોલ રવિન્દ્રભાઈ સોની (ઉંમર 15 વર્ષ) તરીકે થઈ છે. તેના પિતા વડોદરા પોલીસમાં સ્પેશિયલ બ્રાન્ચમાં ફરજ બજાવે છે.

મૃતક સગીર દંતેશ્વર વિસ્તારના વિષ્ણુનગરમાં રહેતો હતો અને ધોરણ-10માં અભ્યાસ કરીને તાજેતરમાં પરીક્ષા આપી હતી. અકસ્માતની જાણ થતાં જ પોલીસ (Police) તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.

સ્થળ પર હાજર રહેલી એક મહિલા કુંતલ વાઘાણીએ જણાવ્યું હતું કે કારચાલક ખરીદી કરીને આવ્યો હતો અને કારમાં બેઠા બાદ રિવર્સ લેતો હતો ત્યારે પાછળથી ત્રણ સગીર બાઈક પર આવીને કારમાં ઘૂસી ગયા હતા. તેમના જણાવ્યા મુજબ બાઈકચાલક ખૂબ જ તેજ ગતિમાં હતો અને કોઈએ પણ હેલમેટ પહેર્યું ન હતું, જેના કારણે અકસ્માત ગંભીર બન્યો.

કારચાલક કેયુરભાઈએ જણાવ્યું હતું કે તેઓ ખરીદી કરીને બહાર આવ્યા બાદ કાર રિવર્સ લઈ રહ્યા હતા, ત્યારે અચાનક ટ્રિપલ સવારીમાં આવેલા ત્રણ સગીરો પૂરપાટ ઝડપે આવીને કાર સાથે અથડાયા હતા. તેમણે ઉમેર્યું કે કોઈપણ સવારીએ હેલમેટ પહેર્યું ન હતું અને તેઓ મસ્તી કરતા આવી રહ્યા હતા. અકસ્માત બાદ તરત જ પોલીસ અને 108 ઇમર્જન્સી સેવા (Emergency Service)ને જાણ કરવામાં આવી હતી.