છેલ્લાં ઘણા સમયથી વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર જાહેમ ભાજપ સરકારના ખૂબ વખાણ કરી રહ્યા હતા. જેના કારણે તેમના ભાજપમાં જોડાવાની ચર્ચા શરૂ થઈ હતી. ત્યારે આ બધી ચર્ચાઓ વચ્ચે ગેનીબેન ઠાકોરે ભાજપમાં જોડાવાનો ઈન્કાર કર્યો. વાવ ભાભર સુઈગામ તાલુકા કોંગ્રેસના આયોજિત સંકલ્પ સત્યાગ્રહ સંમેલનમાં ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે, અનેક આગેવાનો તેમજ કાર્યકરો વારંવાર ભાજપમાં જવાની વાતો કરે છે. ભાજપના લોકો પણ એવી ચર્ચા કરે છે કે લોકસભાની ચૂંટણી પહેલા ગેનીબેન ભાજપમાં જોડાઈ જશે. પણ હું જીવીશ ત્યાં સુધી ભાજપમાં જોડાઈશ નહિ.
નોંધનીય છે કે, કોંગ્રેસ દ્વારા વાવ,ભાભર સૂઈગામ ખાતે સંકલ્પ સત્યાગ્રહ સંમેલનું આયોજન કરાયુ હતું. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારો હાજર રહ્યા હતા. ત્યારે વાવ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભાજપમાં જવાની વાતને સંપૂર્ણપણે વખોડી હતી. ગેનીબેન ઠાકોરે કોંગ્રેસના આગેવાનોની હાજરીમાં જણાવ્યું કે,બધા ચર્ચા કરી રહ્યા છે કે લોકસભાની 2024ની ચૂંટણી પહેલા ગેનીબેન ઠાકોર ભાજપમાં જોડાઈ જશે, પણ હું કહું છું કે હું ભાજપમાં જઈશ તેવી વાત તો જવાદો પણ હું જીવું છું ત્યાં સુધી મારુ ઓશીકું પણ એ બાજુ નહિ કરું.
ઉલ્લેખનીય છે કે, ભાજપને કડવું લાગે તેવું સ્પષ્ટ બોલનાર ગેનીબેન ઠાકોરના ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી સૂર બદલાયા હતા. જાણે ઉલટી ગંગા વહેવા લાગી હોય તેમ વાવ વિધાનસભા બેઠકનના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જાહેરમાં જ કોંગ્રેસ પક્ષની સ્થિતિને લઈને બળાપો કાઢી ભાજપની રણનીતિના ભરપૂર વખાણ કર્યા હતા. ગેનીબેન ઠાકોરના મોઢે ભાજપના વખાણ સાંભળીને સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. કારણ કે, ગેનીબેન તેમની સ્પષ્ટ બોલી માટે પ્રખ્યાત છે. તેમના મોઢેથી ભાજપ માટે હંમેશા ધારદાર શબ્દો નીકળ્યા છે, ત્યારે ગેનીબેન ઠાકોરના અચાનક સૂર બદલાવાને લઈને તેઓ ભાજપમાં જોડાશે તેવી વાતો વહેતી થઈ હતી.