રજાના દિવસોમાં મજા કરવા જવું કિશોરને પડ્યું મોંઘું
ભાવનગર શહેરમાં એક ખૂબ જ દુ:ખદ ઘટના સામે આવી છે. રજાઓના સમયમાં સ્વિમિંગ પુલમાં ન્હાવાની મજા કરવા માટે ગયેલા એક કિશોરનું સ્વિમિંગ પુલમાં ગરકાવ થઈ જવાના કારણે તેનું કરૂણ મોત નિપજ્યું છે. ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના રમધરી નામના ગામ નજીક આવેલા સ્વિમિંગ પુલમાં એક 17 વર્ષીય કિશોરનું ડૂબી જવાથી મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા હાલ તો આ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગર જિલ્લાના સિહોર ખાતે વસવાટ કરતો 17 વર્ષની ઉંમરનો મીત ઝલાભાઈ આલ તેના મિત્રો સાથે ગત રોજ રમધરી નામના ગામ નજીક આવેલા સ્વિમિંગ પુલમાં ન્હાવા માટે ગયો હતો. જ્યાં પાણીમાં ડૂબી જવના લીધે તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ સિહોર પોલીસની ટીમ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળ પર દોડી આવી હતી. ત્યારબાદ કિશોરના મૃતદેહને પોલીસે પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. હાલ તો 17 વર્ષીય દીકરાનું અવસાન થઈ જત પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
નોંધનીય છે કે, વડોદરામાં આવેલ મહિ નદીમાં ત્રણ દિવસ પહેલા ન્હાવા ગયેલા એક યુવકનું પણ નદીમાં ડૂબી જવાના કારણે મોત નીપજ્યું હતું. લાંછનપુરા ખાતે આવેલ મહી નદીમાં સાવલી તાલુકાના ચારણપુરા ગામે વસવાટ કરતો પ્રજ્ઞેશ સોલંકી નામનો યુવક તેના મિત્રો સાથે ન્હાવા ગયો હતો. જ્યાં પ્રજ્ઞેશનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. જે પછી સ્થાનિક તરવૈયાઓની મદદથી પ્રજ્ઞેશના મૃતદેહને મહીં નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારે યુવકનું મોત નિપજતા તેના પરિવારના લોકો શોકમગ્ન થઈ ગયા હતા.