CrimeIndia

બાંગ્લાદેશથી આવી રહેલી ટ્રકમાંથી 3 કરોડ રૂપિયાનું મળ્યું સોનું, BSF જવાનોએ કર્યું જપ્ત…

પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં બાંગ્લાદેશ સરહદ પર બોર્ડર સિક્યોરિટી ફોર્સને મોટી સફળતા મળી છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોએ બાંગ્લાદેશની સરહદે સર્ચ દરમિયાન એક ટ્રકમાં દાણચોરી કરીને 3 કરોડ રૂપિયાથી વધુની કિંમતના 45 સોનાના બિસ્કિટ મળી આવ્યા છે. આ સોનું, બાંગ્લાદેશની બહાર દાણચોરી કરીને, પશ્ચિમ બંગાળમાં કાર્યરત સોનાની દાણચોરીના રેકેટના સભ્યોને સોંપવાનું હતું.

શનિવારે પેટ્રાપોલ ચોકી પર ટ્રકની તલાશી દરમિયાન, BSFની 145 બટાલિયનના જવાનોને ટ્રકના જુદા જુદા ભાગોમાં છુપાયેલા સોનાના બિસ્કિટના બે પેકેટ મળ્યા, એમ અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું.

તેમને જણાવ્યું કે બાંગ્લાદેશથી ભારતમાં પ્રવેશતી ટ્રક ખાલી હતી. જોકે, તલાશી લેતા ટ્રકમાંથી કુલ 5.24 કિલો વજનના 45 સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા. બીએસએફે તેમને પછી રીકવર કર્યા હતા. આ સાથે ટ્રક ચાલકની પણ ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

બીએસએફના પ્રવક્તાએ કહ્યું કે બાંગ્લાદેશ સાથેની સરહદે દાણચોરી રોકવા માટે આ દિવસોમાં ‘બોર્ડર સ્ટ્રિક્ટ, સ્મગલર્સ બેટર્ડ’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત 145મી બટાલિયનમાં તૈનાત સીમા રક્ષકોને વધુ સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે. દરમિયાન, નક્કર માહિતીના આધારે, દક્ષિણ બંગાળ સરહદે આઈસીપી પેટ્રાપોલ ખાતે તૈનાત બીએસએફ જવાનોએ સવારે 4.15 વાગ્યે બાંગ્લાદેશથી ભારત આવી રહેલી એક ટ્રકને અટકાવી અને તેની તલાશી લીધી. આ દરમિયાન ટ્રકમાં ગુપ્ત જગ્યાએ છુપાવેલા કપડામાં ટેપથી બાંધેલા 21 સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા.

પશ્ચિમ બંગાળના 24 પરગણા જિલ્લાના પિરોજપુર ગામના રહેવાસી ટ્રક ડ્રાઈવર શંકર બિસ્વાસને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને કસ્ટમ અધિકારીઓને સોંપતા પહેલા ટ્રકમાં કેટલાક વધુ બિસ્કિટ સંતાડવામાં આવ્યા હોવાની શંકા હતી. આ અંગે મિકેનિકને બોલાવી ટ્રકની ફરી તલાશી લેતા અન્ય ખુણામાં ગુપ્ત જગ્યાએ સંતાડેલા વધુ 24 સોનાના બિસ્કીટ મળી આવ્યા હતા. ઝડપાયેલા સોનાનું વજન 5242.910 ગ્રામ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત ત્રણ કરોડ 12 લાખ રૂપિયાથી વધુ છે.

ટ્રક ડ્રાઈવરે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તે ગત 21 ઓગસ્ટે ટ્રકમાં સ્પોન્જ આયર્ન લઈને ગયો હતો. પરત ફર્યા પછી, સુમન મંડલ નામના વ્યક્તિએ બાંગ્લાદેશ ICP બોનાપોલના પાર્કિંગમાં તેનો સંપર્ક કર્યો અને આ 45 સોનાના બિસ્કિટ પશ્ચિમ બંગાળના 24 પરગણા જિલ્લાના ગોપાલનગરમાં સલામ મંડલને આપવા માટે આપ્યા. BSFને સલામ મંડલ ભારત-પાકિસ્તાન સરહદે કાર્યરત એક દાણચોરી ગેંગમાં કામ કરી રહી હોવાની માહિતી મળી છે.