AhmedabadGujarat

રાયડો પકવતા ખેડૂતો માટે ખુશખબર, બજાર કરતા પણ વધુ ભાવે ખરીદી રહી છે સરકાર

રાજ્યના ખેડૂતો માટે ગુજરાત સરકારે વધુ એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યમાં જે ખેડૂતો રાયડાનો પાક લેતા હોય છે તેમની પાસેથી ભારત સરકાર દ્વારા PSS ગાઇડલાઈન અનુસાર પ્રતિક્વિન્ટલ 5450 રૂપિયા ટેકાના ભાવે ખરીદી કરવાની હોવાથી રાજ્યના અનેક ખેડૂતોએ આ માટે પહેલાથી જ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ત્યારે જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલુ છે તેમની તેવા ખેડૂતો પાસેથી હાલ સરકાર ટેકાના ભાવે રાયડાની ખરીદી કરી રહી છે, અને આગામી 7મી જૂન, 2023 સુધી આ ખરીદી ચાલશે.

ઉલ્લેખનીય છે કે, જે ખેડૂતોએ ટેકાના ભાવે ખરીદી કરવા માટે પહેલા રજીસ્ટ્રેશન કરાવ્યું ના હોય તેવા ખેડૂતો માટે પણ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. અને જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન નથી કરાવ્યું અને જો તેઓ ટેકાના ભાવે રાયડો વેચવા કરવા માંગતા હોય તો તે ખેડૂતો ગુજકોમાસોલ દ્વારા નિયત કરવામાં આવેલ જે તે ખરીદ કેન્દ્ર ઉપર જઇ શકે છે. અને ત્યાં સ્પોટ રજીસ્ટ્રેશન કરીને તેઓ તેમના રાયડાનો જથ્થો વેચી શકશે.

નોંધનીય છે કે, હાલ રાયડાના પાકનો પ્રતિ કવિન્ટલ 5032 રૂપિયા ભાવ ચાલી રહ્યો છે. જે સરકાર દ્વારા ખરીદવામાં આવતા ભાવ કરતા પ્રતિ કવિન્ટલે 418 રૂપિયા ઓછો છે. આથી રાયડો પકવતા ખેડૂતો વધુમાં વધુ ટેકાના ભાવની ખરીદીમાં ભાગ લે તે માટે ખેતી નિયામક દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.