Gujarat

હાર્ટ-એટેકથી થતાં મોત અટકાવવા માટે સરકાર એક્શનમાં, જુઓ શું પગલાં લીધા

રાજ્યભરમાં હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે ત્યારે હવે સરકાર પણ એક્શનમાં આવી છે. યુવાનોમાં હાર્ટ એટેકથી મૃત્યુનું પ્રમાણ વધ્યું છે. આનાથી બચવા માટે હવે CPR તાલીમ આપવામાં આવી રહી છે. રાજ્ય સરકારના નિર્ણયને ધ્યાનમાં લેતા સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના શિક્ષકો માટે CPR તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સ્મીમેર અને સિવિલ હોસ્પિટલ ખાતે બેચમાં શિક્ષકોને CPRની તાલીમ અપાઈ હતી જેમાં રાજ્ય ગૃહમંત્રી તેમજ શિક્ષણ મંત્રી પણ હાજર રહ્યા હતા.

રાજ્યભરમાં યુવાનો અને બાળકોમાં કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે ત્યારે શિક્ષકોને CPR તાલીમ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.આજે સુરતમાં સ્મીમેર હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલમાં CPRની તાલીમ આપવામાં આવી હતી.

તાલીમમાં હાજર રહેલા શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું કે આજે ગુજરાતમાં ડોક્ટર સેલની ટીમ અને 2 લાખ શિક્ષકોને CPRની તાલીમ આપવામાં આવી છે. આ તાલીમમાં હાર્ટ એટેક આવ્યા બાદ તાત્કાલિક સારવાર કેવી રીતે આપી શકાય તે શિખવવવામાં આવ્યું છે. હું તમામ શિક્ષકોને અભિનંદન આપું છું કે જેઓ આ તાલીમમાં જોડાયા છે.તાલીમ દ્વારા એક વર્ષ દરમિયાન એક જીવ બચે તો પણ તાલીમ સફળ થશે.

છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ અચાનક મૃત્યુના કિસ્સા હાલમાં વધુ સામે આવી રહ્યા છે. જો આવા કેસમાં પ્રાથમિક સારવાર ઝડપથી આપવામાં આવે તો જીવ બચાવી શકાય છે. જો સીપીઆર આપવામાં આવે તો જીવ બચી શકે તેમ હોવાથી શિક્ષકોને આની તાલીમ આપવામાં આવી છે.