રંગ બદલતી સરકાર: ગઈકાલે કહ્યું દુકાનો ખુલશે, આજે કહ્યું દુકાનો બંધ રહેશે
ગુજરાતમાં શનિવારે 256 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે અને કુલ કેસનો આંકડો 3071 પર પહોંચ્યો છે. ગઈકાલે કેન્દ્ર સરકારના આદેશ મુજબ ગુજરાત સરકારે જાહેરાત કરી હતી કે રાજ્યમાં દુકાનો શરતો ને આધીન ખોલી શકાશે. સરકારે મોટી મોટી જાહેરાતો કરી મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ પણ જાહેરાત કરી દીધી એક અમદાવાદમાં 5 વોર્ડ સિવાય બધી જગ્યાએ દુકાનો ખોલી શકાશે.
પણ આડેધડ નિર્ણયો લીધા બાદ આજે મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે કહ્યું કે, મહાનગરોમાં 3 મે સુધી દુકાનો ખોલવાની મંજૂરી નથી. આ અંગે વેપારીઓ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ નિર્ણય લેવાયો છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં દુકાનો બંધ રહેશે. આવશ્યક ચીજ વસ્તુની દુકાનો ખોલી શકાશે એટલે કે જે દુકાનો લોકડાઉનમા ખુલ્લી છે એ જ ખુલ્લી રહેશે.
સરકારની ગઈકાલની જાહેરાત બાદ અમદાવાદ, સુરત અને વડોદરા જેવા શહેરમાં સવારથી જ કામ ધંધા શરૂ થઈ ગયા હતા. ખાસ કરીને પેટ્રોલ પમ્પ અને હાર્ડવેરની દુકાનો પર લોકોની ભીડ જોવા મળી હતી. ઇલેક્ટ્રિકની દુકાનો પર લોકો ઉમટી પડ્યા હતા. દુકાનોમાં યોગ્ય નિયમોનું પણ પાલન કરવામાં આવ્યું હતું.
જો કે શહેરના વેપારીઓએ 3 મે સુધી સ્વૈચ્છીક રીતે દુકાનો ન ખોલવાનો નિર્ણય કર્યો છે તેવું જણાવ્યું હતું.વેપારી એસોસિયેશન સાથેની ચર્ચા વિચારણા બાદ હવે દુકાનો 3 મે સુધી બંધ રાખવામાં આવશે.
રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસ 3,071 છે, 2656 એક્ટિવ કેસ છે. 61 હોસ્પિટલમાં 10 હજાર બેડ અને કોવિડ હોસ્પિટલ સાથે 22 હજાર બેડની વ્યવસ્થા છે.ગુજરાતમાં યોગ્ય માત્રામાં દવાઓ ઉપલબ્ધ છે. PPE કીટ પણ ઉપલબ્ધ છે. રાજ્યની સરકારી હોસ્પિટલમાં 1061 વેન્ટિલેટર છે.