
લોકપ્રિય ગુજરાતી ગાયિકા કિંજલ દવે(Kinjal Dave)એ 6 ડિસેમ્બર 2025ના રોજ સગાઈ કરી છે. કિંજલે પોતાના ફેસબુક પેજ પર સગાઈનો વીડિયો શેર કરીને આ આનંદના પ્રસંગની જાહેરાત કરી હતી. તેમણે એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી છે.કિંજલના ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ કિંજલ દવે અને ધ્રુવિન શાહ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. તેમના આ સંબંધને હવે સગાઈના પવિત્ર બંધનથી સત્તાવાર માન્યતા મળી છે. 5 ડિસેમ્બરે ગોળધાણાનો પ્રસંગ યોજાયો હતો અને 6 ડિસેમ્બરે સગાઈ સેરેમની થઈ હતી. ફેસબુક પર સગાઈનો વીડિયો પોસ્ટ કરતા કિંજલે કેપ્શનમાં માત્ર બે શબ્દો લખ્યા— “God’s Plan.”

સગાઈના સમાચાર બહાર આવતા જ સોશિયલ મીડિયા પર કિંજલના ચાહકો આ નવા જીવનપ્રકરણને હર્ષભેર વધાવી રહ્યા છે. ધ્રુવિન શાહ માત્ર એક્ટર જ નહીં, પરંતુ એક ઉદ્યોગપતિ પણ છે. તેઓ જોજો એપ (JoJo App)ના ફાઉન્ડર છે, જે ગુજરાતી ફિલ્મો અને મનોરંજન કન્ટેન્ટ માટે જાણીતી એપ્લિકેશન છે. ધ્રુવિન પ્રતિષ્ઠિત બિઝનેસ પરિવારથી સંબંધ ધરાવે છે અને મલ્ટી-ટેલેન્ટેડ પર્સનાલિટી માટે જાણીતા છે.
કિંજલ દવેનો જન્મ 24 નવેમ્બર 1998ના રોજ પાટણ જિલ્લાના જેસંગપરા ગામમાં થયો હતો. તેમને બાળપણથી જ સંગીતનો શોખ હતો. 2017માં રિલીઝ થયેલું તેનું ગીત “ચાર ચાર બંગડી” સુપરહિટ રહ્યું હતું અને કિંજલને ઘરઘર સુધી લોકપ્રિયતા મળી હતી. ત્યારથી તેઓએ અનેક લોકપ્રિય ગીતો રજૂ કર્યા છે અને ભારત સહિત વિદેશમાં પણ સંગીત કાર્યક્રમો કર્યા છે. પરંપરાગત ગુજરાતી લોકગીતોને આધુનિક અંદાજમાં રજૂ કરવાની તેમની ખાસ ઓળખ છે, જેના માટે તેમને અનેક પુરસ્કારો પણ મળ્યા છે.