Weather Update Today: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આ દિવસોમાં દેશના અનેક રાજ્યોમાં વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.વરસાદના કારણે અમદાવાદમાં IPL મેચમાં પણ વિક્ષેપ પડ્યો છે.નોંધનીય છે કે ગઇકાલે ક્રિકેટ મેચ સમયસર શરૂ થઈ શકી ન હતી. યુપી-એમપી-રાજસ્થાનની સાથે, હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદ અને કરા પડવાની ચેતવણી જારી કરી છે. રાજસ્થાન હવામાન વિભાગના વૈજ્ઞાનિક રાધેશ્યામે જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જેસલમેર, બિકાનેર, ગંગાનગરના વિસ્તારોમાં 60-70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.
ગુજરાતના ખેડા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. આ સાથે વીજળી પડવાના પણ સમાચાર છે. ભારે પવન સાથે મુશળધાર વરસાદથી માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. વરસાદના કારણે લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી હતી. ખેડા જિલ્લાના નડિયાદ, પીપલગ, ઉત્તરસંડા, ડભાણ, ટંડેલ, ડુમરાલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો.
અન્ય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 30 મેના રોજ સક્રિય થશે, જેના કારણે પશ્ચિમ અને પૂર્વ રાજસ્થાનમાં વાવાઝોડું ચાલુ રહેશે. હવામાન વિભાગે જયપુર માટે આગામી 3 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સામાન્ય લોકો અને ખેડૂતોને ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવી છે.
હવામાન વિભાગે કહ્યું છે કે 31 મે સુધી ઉત્તર પશ્ચિમ ભારતમાં ભારે વરસાદની સંભાવના છે. વિભાગે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, વિદર્ભ, ઓડિશા, ઉત્તર રાજસ્થાન, મધ્ય પ્રદેશ, કેરળ, તમિલનાડુ, કર્ણાટક, ત્રિપુરા, મેઘાલય અને છત્તીસગઢમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. IMDએ કહ્યું છે કે આ સમયગાળા દરમિયાન ભારે પવન ફૂંકાશે અને ઘણા રાજ્યોમાં વરસાદની સાથે કરા પડી શકે છે.