South GujaratGujaratSurat

સુરતમાં મર્સીડીઝ ચાલકે પાર્કિંગમાં રમી રહેલી અઢી વર્ષની બાળકીને કચડી, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક સુરત શહેરથી સામે આવ્યો છે.

સુરતના પાલ વિસ્તારમાં બેઝમેન્ટમાં રમી રહેલી અઢી વર્ષની બાળકીને કાર ચાલક દ્વારા અડફેટે લેવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનામાં બાળકીને ગંભીર ઈજા પહોંચતા બાળકીને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યારે આ મામલામાં પાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

જાણકારી અનુસાર, સુરતના પાલ કેનાલ રોડ સ્થિત રોયલ ટાયટેનીયમના બેઝમેન્ટના પાર્કિંગમાં અઢી વર્ષની બાળકી રમી રહી હતી. તે સમયે સફેદ કલરની કાર ચાલક દ્વારા બાળકીને અડફેટે લેવામાં આવી હતી. બાળકી ગંભીરરીતે ઈજાગ્રસ્ત થતા તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. બાળકીને માથાના પાછળના ભાગમાં ફ્રેકચર તથા છાતીના અને ફેફસાના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.

આ ઘટનાને લઈને બાળકીની માતા કાજલબેન ઓડ દ્વારા પાલ પોલીસ સ્ટેશનમાં કાર ચાલક સામે ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસ દ્વારા કાર ચાલક ગીરીશભાઈ મનજીભાઈ મનીયા સામે ગુનો દાખલ કરી તપાસ શરુ કરી છે. તેમ છતાં આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે કે, બાળકી બેઝમેન્ટમાં રમી રહી હતી. તે સમયે કાર ચાલક કાર લઈને ત્યાંથી પસાર થયો અને બાળકીને અડફેટે લઈને ત્યાંથી નાસી ગયો હતો. હાલમાં આ સમગ્ર મામલમાં પાલ પોલીસ દ્વારા ગુનો દાખલ કરી તપાસ શરુ કરી છે.