મહેસાણાના ખૌફનાક CCTV ફૂટેજ, અચાનક યુવક ટ્રક નીચે સૂઈ ગયો, પેટના ભાગનો છૂંદો
મહેસાણાની રાધનપુર ચોકડી નજીક 18 ફેબ્રુઆરીની રાત્રે બનેલી યુવકના મોતની ઘટના મામલે પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. શરૂઆતમાં ટ્રેલરની ટક્કરથી થયેલો માર્ગ અકસ્માત માનવામાં આવતો આ બનાવ હકીકતમાં આત્મહત્યા હોવાનું સીસીટીવી તપાસમાં સામે આવ્યું છે.
બી ડિવિઝન પોલીસે ઘટનાસ્થળ આસપાસના સીસીટીવી ફૂટેજની વિગતવાર તપાસ કરતાં જાણવા મળ્યું કે યુવક રોડના વચ્ચોવચ ચાલી રહ્યો હતો અને ટ્રેલર નજીક આવતા જ તે જાણપૂર્વક તેના ટાયરની નીચે આવી ગયો હતો. આ ઘટનામાં યુવકના પેટના ભાગને ગંભીર ઇજા પહોંચતાં તેનું સ્થળ પર જ કરૂણ મોત થયું હતું.
મળતી માહિતી મુજબ ઉત્તર પ્રદેશના બદાયુ જિલ્લાના વતની સત્યપાલ બાબુરામ નામનો યુવક બુધવારે રાત્રે રાધનપુર ચોકડી નજીકથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન રસ્તા પરથી પસાર થતા ટ્રેલરના ટાયર નીચે કચડાતા તેનું મોત થયું હોવાનું શરૂઆતમાં માનવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસે ટ્રેલરચાલકની શોધખોળ શરૂ કરી અને આસપાસના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા.
ફૂટેજ જોતા પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ ગઈ હતી. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે સત્યપાલ અકસ્માતનો ભોગ બન્યો નહોતો, પરંતુ ટ્રેલર પસાર થતી વેળાએ તે દોડીને પાછળના વ્હીલ નીચે સુઈ ગયો હતો. ભારે ટ્રેલરનો ટાયર શરીર ઉપર ફરી વળતાં તે લગભગ પાંચ ફૂટ સુધી ઢસડાયો હતો, જેના કારણે કમરના ભાગેથી શરીરને ગંભીર નુકસાન થયું હતું.
આ ઘટનાના સમાચાર મળતાં જ મૃતકનો પરિવાર મહેસાણા પહોંચ્યો હતો. પરિવારજનોએ જણાવ્યું કે સત્યપાલ કામધંધાની શોધમાં બહાર જાઉં છું કહીને ઘરેથી નીકળ્યો હતો. તેણે આ પગલું શા માટે ભર્યું તે અંગે હજી કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી, પરંતુ સીસીટીવી ફૂટેજે સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ કરી અકસ્માતની સંભાવનાને નકારી કાઢી છે.