GujaratAhmedabad

મિશ્ર વાતાવરણને પગલે રાજ્યમાં રોગચાળો ફાટી નીકળતા દવાખાનાઓ ઉભરાયા

રાજ્યમાં એક બાજુ ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે. તો બીજી બાજુ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું પણ થઈ રહ્યું છે. આમ ગરમી અને વરસાદના મિશ્ર વાતાવરણને લીધે રાજ્યમાં રોગચાળાએ પણ માજા મુકી છે. છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છેલ્લાં રોગચાળો વકર્યો છે. ખાસ કરીને સમગ્ર ગુજરાતમાં હાલ, ઝાડા-ઉલટી,શરદી-ખાંસી,પેટમાં દુખાવો, માથામાં દુખાવો જેવા કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સરકારી દવાખાનાઓમાં દર્દીઓની ખૂબ લાંબી લાઈનો જોવા મળી રહી છે. જ્યારે ખાનગી દવાખાના અને હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાઈ રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ ચાલુ ઉનાળાની સિઝન દરમિયાન અવારનવાર રાજ્યમાં કમોસમી વરસાદ પણ પડતો રહે છે. જેના કારણે ગરની અને વરસાદ એમ બે સિઝન મિક્ષ થઈ જતા રાજ્યમાં રોગચાળો વકર્યો છે. છેલ્લા દોઢ મહિનાની વાત કરીએ તો ગુજરાતમાં સખત તાવના 740પથી પમ વધુ ઈમરજન્સી કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. માર્ચ મહિનામાં 5252 જેટલા કેસ હાઇ ફીવરના અને 15 એપ્રિલ સુધી ઇમરજન્સી સારવાર માટેના 2,222 ફોન 108 એમ્બ્યુલન્સ સેવાને આવ્યા હતા. જેની સરખામણીએ ગત વર્ષે માર્ચ મહિનામાં હાઈ ફિવરના 2046 અને 15 એપ્રિલ સુધી 1112 જેટલા ઇમરજન્સી સારવાર માટે 108 એમ્બ્યુલન્સ સેવાને ફોન આવ્યા હતા. આમ, ગય વર્ષના માર્ચ-એપ્રિલની સરખામણીએ આ વર્ષે માર્ચ-એપ્રિલ મહિનામાં હાઇ ફીવરના કેસમાં બમણા કરતા પણ વધારો થયો છે. બીજી બાજુ અમદાવાદ જિલ્લામાં માર્ચમાં 1102 જેટલા હાઇફીવરના કેસ અને 15 એપ્રિલ સુધી 408 જેટલા ફોન 108 એમ્બ્યુલન્સ સેવા માટે આવેલા છે.

તમને જણાવી દઈએ કે, ચાલુ વર્ષે 15 એપ્રિલ સુધી ગુજરાતમાં 3074 કેસ પેટમાં દુઃખાવાના , 2236 કેસ ઝાડા-ઉલ્ટીના, 7 કેસ હીટ સ્ટ્રોકના, 220 કેસ માથામાં સખત દુઃખાવાના, 2662 કેસ અચાનક બેભાન થઇ જવાના અને 2236 કેસ હાઇ ફીવરના એમ કુલ મળીને 11073 જેટલા કેસ સમગ્ર રાજ્યમાં નોંધાયા છે. જેની સરખામણી કરતા ગત વર્ષના આંકડા તપાસીએ તો એપ્રિલ 2022માં 15 એપ્રિલ સુધી આ પ્રકારના કુલ 8975 જેટલા કેસ નોંધાયા હતા. આમ, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે એપ્રિલ મહિનામાં આ પ્રકારના રોગોમાં 23.38%નો વધારો થયો છે. અમદાવાદમાં સતત વધતી ગરમીને કારણે એપ્રિલ મહિનામાં 2696 કેસ નોંધાયા છે જે ગયા વર્ષ કરતા 22% વધારે છે. આમ રાજ્યમાં ગરમી અને કમોસમી વરસાદ એમ મિશ્ર ઋતુને કારણે રોગચાળો વકર્યો છે. અને હોસ્પિટલો તેમજ દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ ગયા છે.