બોલીવુડ અભિનેતા Hrithik Roshan ની ગર્લફ્રેન્ડ અને ગાયિકા Saba Azad છેલ્લા કેટલાક દિવસોથી ગંભીર રીતે બીમાર હોવાનું સામે આવ્યું છે. સબાએ સોશિયલ મીડિયા પર હોસ્પિટલના બેડ પરથી પોતાનો ફોટો શેર કરીને જણાવ્યું કે તે છેલ્લા 14 દિવસથી “Cyclospora Cayetanensis” નામના દુર્લભ પેટના ચેપ સામે લડી રહી છે. આ બીમારીના કારણે તેનું વજન અંદાજે 4 કિલો ઘટી ગયું છે અને તેને ચાલવામાં પણ મુશ્કેલી પડી રહી છે.ફિટનેસ અને હેલ્ધી લાઈફસ્ટાઇલ માટે જાણીતી સબા માટે આ આશ્ચર્યજનક રહ્યું છે. આ મુશ્કેલ સમયમાં ઋતિક રોશન તેને સતત સપોર્ટ આપી રહ્યા છે.
Cyclospora infection શું છે?
Cyclospora infection એક પ્રકારનો પરોપજીવી ચેપ છે, જે દૂષિત ખોરાક અથવા પાણી દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. આ ચેપ ખાસ કરીને આંતરડાને અસર કરે છે અને પાચનતંત્રને નબળું બનાવી શકે છે. સામાન્ય રીતે તે ત્યાં વધુ જોવા મળે છે જ્યાં સ્વચ્છતાનો અભાવ હોય.
ચેપ કેવી રીતે ફેલાય છે?
દૂષિત પાણી પીવાથી
કાચા અથવા સારી રીતે ન ધોયેલા ફળ-શાકભાજી ખાવાથી
ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કથી
સબાના કેસ પરથી એવું પણ સામે આવ્યું છે કે આ ચેપ ક્યારેક ઘરે બનાવેલા ખોરાક દ્વારા પણ ફેલાઈ શકે છે.
મુખ્ય લક્ષણો:
આ ચેપના લક્ષણો તરત દેખાતા નથી, પરંતુ થોડા દિવસો બાદ શરૂ થાય છે:
સતત ડાયેરિયા (ઝાડા)
પેટમાં દુખાવો અને ખેંચાણ
ઉબકા અને ઉલટી
ભારે થાક અને નબળાઈ
ભૂખમાં ઘટાડો
વજન ઓછું થવું
હળવો તાવ
ડિહાઇડ્રેશન (પાણીની અછત)
બચાવ માટે શું કરવું?:
હંમેશા ઉકાળેલું અથવા ફિલ્ટર કરેલું પાણી પીવું
ફળ અને શાકભાજી સારી રીતે ધોઈને જ ખાવા
ખોરાક સંપૂર્ણ રીતે રાંધેલો હોવો જોઈએ
બહાર ખાતા સમયે સ્વચ્છતા જાળવવી
વારંવાર હાથ ધોવાની આદત રાખવી
આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે સ્વચ્છતા અને ફૂડ સેફ્ટી (Food Safety) પર ખાસ ધ્યાન આપવું ખૂબ જરૂરી છે, કારણ કે નાની બેદરકારી પણ ગંભીર બીમારીનું કારણ બની શકે છે.