અરવલ્લી: ટ્રકે બાઈકને અડફેટે લેતા પતિ-પત્ની અને 2 બાળકોના મોત
ઘણીવાર સ્પીડમાં આવતા વાહન નિર્દોષ લોકોના જીવ લે છે. આવો જ એક કિસ્સો બાયડ શહેરના ગાબત રોડ પર સામે આવ્યો છે. ગેસ સિલિન્ડર ભરેલી ટ્રકના ચાલકે બાઇક પર સવાર શ્રમિક પરિવારને ટક્કર મારી હતી, જેના કારણે બાઇક પર સવાર પતિ, પત્ની અને બે બાળકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બાયડના ગાબત રોડ પર બનેલા આ અકસ્માતમાં આખો પરિવાર વિખેરાઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ, રવિવારે સવારે 8 વાગ્યાની આસપાસ એક મજૂર પરિવારના પતિ-પત્ની તેમના બે બાળકો સાથે બાઇક પર પસાર થઇ રહ્યા હતા, ત્યારે પૂરપાટ ઝડપે આવતા ટ્રક ચાલકે તેનું સંતુલન ગુમાવ્યું અને બાઇક સવાર પરિવારને ટક્કર મારી હતી. મૃતક મજૂર પરિવાર જવાનપુરા ગામનો રહેવાસી હતો. છોટા ઉદેપુરનો એક શ્રમિક પરિવાર સાબરકાંઠાના તલોદ તાલુકાના જવાનપુરા ખાતે પટેલ સુભાષભાઈના ઘરે ખેતમજૂરી તરીકે એક વર્ષથી આવ્યો હતો.
રવિવારે સાંજે 33 વર્ષીય જસુ નાયકા તેની જીજે 9 સીએસ 4621 નંબરની બાઇક પર બેસીને તેની પત્ની અને બે બાળકો સાથે કામે જવા નીકળ્યા હતા. આથી ગાબત તીન રોડ પાસે ભારતીય ગેસ સિલિન્ડર ભરેલ GJ 09 CY 9102 નંબરના ટ્રક ચાલકે તેને અડફેટે લીધો હતો.બાઇક સવાર જસુ નાયકા અને તેની પત્ની ચંપાબેન જસુ નાયકા (31), પુત્રો યુવરાજ જસુ નાયકા (6) અને રાજ જસુ નાયકા (4)નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
મૃતક પરિવાર મૂળ વચલી ભીલ છોટા ઉદેપુરના માદળવા ગામનો રહેવાસી છે. અકસ્માતની જાણ થતાં બાયડ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ચારેયના મૃતદેહને પીએમ માટે મોકલી આપી ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.