ટામેટા(tomato)નો ભાવ એટલો વધી ગયો છે કે તેને સોના-ચાંદીની જેમ લૂંટવામાં આવી રહ્યા છે. આવી જ એક ઘટના કર્ણાટકમાંથી સામે આવી છે. પોલીસે તામિલનાડુના વેલ્લોર જિલ્લામાંથી ટામેટાં ભરેલી ટ્રકને લૂંટવા બદલ પતિ-પત્નીની ધરપકડ કરી છે. પતિની ઓળખ 28 વર્ષીય ભાસ્કર તરીકે અને પત્નીની ઓળખ 26 વર્ષીય સિંધુજા તરીકે થઈ છે. તેઓએ 2.5 ટન ટામેટાં ભરેલી ટ્રકની લૂંટ કરી હતી. પતિ-પત્ની હાઇવે લૂંટમાં સંડોવાયેલી ગેંગમાં સામેલ છે.
8 જુલાઈના રોજ લૂંટની ઘટના બની હતી. ચિત્રદુર્ગ જિલ્લાના હિરીયુરમાં રહેતા ખેડૂત મલ્લેશ પોતાના ખેતરમાં ઉગાડેલા ટામેટાંને ટ્રકમાં ભરીને વેચવા કોલાર માર્કેટ જઈ રહ્યા હતા. આ દરમિયાન કારમાં બેઠેલા આરોપી પતિ-પત્નીએ તેમને રોક્યા અને દાવો કર્યો કે ટ્રકની ટક્કરથી તેમની કારને નુકસાન થયું છે. આરોપીઓએ નુકસાનની ભરપાઈ કરવા માટે મોટી રકમની માંગણી કરી હતી. મલ્લેશે પૈસા આપવાની ના પાડી.
ત્યારપછી લૂંટારાઓની ટોળકીએ તેમના પર હુમલો કરી ટ્રક સહિત તેમનું અપહરણ કર્યું હતું. મલ્લેશને લૂંટારાઓને ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવાની ફરજ પડી હતી. ત્યારપછી તેને દેવનહલ્લી પાસે ટ્રકમાંથી ઉતારી દીધો અને ટોળકીના ગુનેગારો ટ્રક લઈને ભાગી ગયા હતા. તેઓ ટ્રકને ચેન્નાઈ લઈ ગયા અને ટામેટાં વેચ્યા. આ પછી તે બેંગ્લોરના પીન્યા પાસે ટ્રક છોડી દીધી.
ખેડૂતની ફરિયાદ બાદ બેંગલુરુ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. આરએમસી યાર્ડ પોલીસે ટ્રકની હિલચાલ પર નજર રાખી હતી. આ સાથે લૂંટારાઓની કુંડળીની પણ તપાસ કરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજની મદદથી પતિ-પત્નીની ઓળખ થઈ હતી.પોલીસ ટીમે તમિલનાડુના વેલ્લોર જિલ્લાના વાનિયમબડી શહેર નજીકથી આરોપીની ધરપકડ કરી હતી.
અન્ય ત્રણ શંકાસ્પદ રોકી, કુમાર અને મહેશ હજુ પણ ફરાર છે. પોલીસે તેઓને ઝડપી લેવા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. લૂંટાયેલા ટામેટાંની કિંમત અંદાજે 2.5 લાખ રૂપિયા હતી. ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 364A અને 392 હેઠળ આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો હતો.