સમાજનો છોકરો અયોગ્ય હોય એટલે દીકરી બીજા સમાજમાં જાય: અનાર પટેલ
બનાસકાંઠાના Palanpurના ગઢ વિસ્તારમાં આયોજિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમ દરમિયાન Anar Patelએ સમાજની હાલની પરિસ્થિતિ અંગે મર્મસ્પર્શી અને તીખા વિચારો વ્યક્ત કર્યા હતા. Lalji Patel સહિતના પાટીદાર આગેવાનોની હાજરીમાં તેમણે ખાસ કરીને દીકરીઓના આંતરજ્ઞાતીય લગ્નો અને યુવાઓની જીવનશૈલી અંગે ખુલ્લેઆમ નિવેદનો આપ્યા હતા. સાથે જ મહિલાઓને સમાજનું નેતૃત્વ સંભાળવા માટે આગળ આવવાની અપીલ પણ કરી હતી.
ગઢ વિસ્તારમાં લોખંડી પુરુષ Sardar Vallabhbhai Patelની પ્રતિમાનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાટીદાર સમાજના અનેક આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સમાજની એકતા, નવી પેઢીની જવાબદારી અને સામાજિક મૂલ્યો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
મીડિયા સાથે વાતચીત દરમિયાન અનાર પટેલે જણાવ્યું હતું કે તેમણે ક્યારેય પોતાનો બાયોડેટા તૈયાર કર્યો નથી.વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ચર્ચાઓ વચ્ચે તેમના આ નિવેદનોને રાજકીય વર્તુળોમાં પણ ખાસ મહત્વ આપવામાં આવી રહ્યું છે.
સમાજમાં દીકરીઓ અન્ય સમાજમાં લગ્ન કરતી હોવાના મુદ્દે અનાર પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “જ્યારે આપણા સમાજના યુવાઓમાં સક્ષમતા અને જવાબદારીનો અભાવ હોય છે ત્યારે દીકરીઓ અન્ય વિકલ્પ પસંદ કરે છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, “જો યુવક દારૂ પીતા હોય, કામ ન કરતા હોય કે બિનજવાબદારીપૂર્વક જીવન જીવતા હોય, તો દીકરીઓને દોષ આપવો યોગ્ય નથી.” તેમણે સવાલ કર્યો કે દરેક વખતે માત્ર દીકરીઓને જ સલાહ કેમ આપવામાં આવે છે અને યુવાઓની ખામીઓ પર ધ્યાન કેમ આપવામાં આવતું નથી.
અનાર પટેલે સ્ત્રી-પુરુષ સમાનતા પર ભાર મૂકતા જણાવ્યું કે સમાજરૂપી રથ બે પૈડાં પર ચાલે છે. “જો મહિલાઓ સક્રિય બનશે અને નેતૃત્વ લેવા આગળ આવશે તો જ સમાજ સાચા અર્થમાં પ્રગતિ કરશે,” એમ તેમણે કહ્યું હતું. મહિલાઓને સામાજિક ક્ષેત્રે આગળ આવવા અને પોતાની ક્ષમતાનો પરિચય આપવા પણ તેમણે પ્રોત્સાહિત કર્યા હતા.
પોતાના જીવનના ઉદાહરણો આપતા અનાર પટેલે જણાવ્યું કે સમાજ અને દેશ માટે કામ કરવાથી પરિવારની જવાબદારીઓ અથવા સંસ્કારોમાં કોઈ ઘટાડો થતો નથી. તેમણે મહિલાઓને સંગઠિત બનીને સમાજ માટે કાર્ય કરવાની અપીલ કરી અને કહ્યું કે મહિલાઓનું સંગઠન એટલું મજબૂત બનવું જોઈએ કે પુરુષો પણ તેમાંથી પ્રેરણા લે.