રાઈટ ટુ એજ્યુકેશન (આરટીઈ) અંગતર્ગત શૈક્ષણિક વર્ષ 2024-25 માટે ધોરણ-1 માં પ્રવેશને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ખાનગી શાળામાં ધોરણ-1 માં પ્રવેશ માટે ઓનલાઇન મુદત 26 માર્ચથી વધારીને 30 માર્ચ રાત્રીના 12 વાગ્યા સુધી લંબાવવામાં આવી છે. તેના લીધે વાલીઓને પોતાના બાળક માટે ફોર્મ ભરવાનો થોડો વધુ સમય મળી જાશે.
તમને જણાવી દઈએ કે, રાજ્યમાં શિક્ષણ વિભાગે નવા શૈક્ષણિક સત્રથી ધોરણ-1 માં વિનામૂલ્યે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળામાં પ્રવેશ માટે ઓનલાઇન અરજીનો સમય 14 માર્ચથી 26 માર્ચ સુધી રાખવામાં આવ્યો હતો. પરંતુ રજાઓના લીધે વાલીઓને આવકના દાખલા, જાતિના દાખલા વગેરે જેવા આધારો મેળવવામાં વિલંબ થતાં જિલ્લા કક્ષાએથી રાજ્ય કક્ષા સુધી રજૂઆતો કરવામાં આવી હતી. તેના લીધે ઓનલાઇન અરજી કરવાનો સમયગાળાને વધારી 30 માર્ચ કરી દેવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારના બાળકો માટે આરટીઈ હેઠળ દર વર્ષે બાળકોને ધોરણ-1 માં ખાનગી સ્કૂલોમાં વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે. શહેરની તમામ ખાનગી શાળાઓમાં ધો. 1 માં 25 ટકા અનામત બેઠકો પર આરટીઇના બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. બાળક માટે વાલી પોતાના રહેણાંકથી 6 કિલોમીટર સુધીના વિસ્તારની સ્કૂલની પસંદગી કરી શકે છે. તેની સાથે આ યોજના હેઠળ ખાનગી સ્કૂલોમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની ફી ભરવાની હોતી નથી. આ સિવાય યુનિફોર્મ, પુસ્તકો, સ્કૂલબેગ વગેરેનો ખર્ચ સરકાર તરફથી વિદ્યાર્થીના બેન્કના ખાતામાં જમા કરવામાં આવે છે. આ સિવાય સ્કૂલોને પણ સરકાર તરફથી રકમ ચુકવવામાં આવે છે.