SaurashtraGujarat

ભાવનગરમાં શાળામાં સામાન્ય બાબતમાં ઝઘડો થતા બે મિત્રોએ મિત્રની કરી નાખી હત્યા, જાણો સમગ્ર મામલો?

રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ગુનેગારોને જાણે કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરતા રહે છે. જ્યારે આજે આવી જ એક બાબત સામે આવી છે. ભાવનગર શહેરમાં બે મિત્રો દ્વારા મળીને મિત્રની હત્યા કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. થોડા દિવસો પહેલા સ્નેપચેટ બાબતમાં ઝઘડો થયો હતો. તેની દાઝ રાખી મિત્રને અવાવરું જગ્યાએ લઈ જઈ તેનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. હત્યા કરનાર બંને મિત્રોને પોલીસ દ્વારા ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ ઘટનાને લઈને જણાવી દઈએ કે, ભાવનગર ના પાનવાડી બજરંગદાસબાપા હોસ્પિટલ નજીક આવેલ અષ્ટવિનાયક ફ્લેટમાં રામ અશોકભાઈ ભટ્ટ નામનો યુવક રહેતો હતો અને તે ધોરણ-12 માં અભ્યાસ કરતો હતો. જ્યારે રામ અશોકભાઈ ભટ્ટ ગત 8 ફેબ્રુઆરીના રોજ રાત્રીના ઘરેથી તેમના મિત્રોને મળવા માટે ગયો હતો. ત્યાર બાદ સવાર સુધી તે પરત આવ્યો નહોતો. મોડી રાત્રીના તેના માતા દ્વારા ફોન કરવામાં આવ્યો તો તેમણે જણાવ્યું હતું કે, મમ્મી હું સન્ની-ચેતન જોડે રહેલ છું તમે ચિંતા કરશો નહીં. ત્યારબાદ યુવકનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો. એવામાં સવાર સુધી રામ ઘરે પરત ન આવતા પોલીસ સ્ટેશનમાં યુવક ગુમ થયો હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

પોલીસની તપાસમાં બે દિવસ બાદ યુવકનો મૃતદેહ મળ્યો હતો. ત્યાર બાદ મૃતદેહને હોસ્પિટલ ખસેડી તપાસ શરુ કરવામાં આવી હતી. આ ઘટનામાં મૃતકના શરીર પર કોઈ ઈજાના નિશાન જોવા મળ્યા નહોતા પરંતુ અશોકભાઈ દ્વારા તેના પુત્રની કોઈ અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરી હોવાની શક્યતા દર્શાવતા પોલીસ દ્વારા મૃતદેહને પીએમ અર્થે મોકલવામાં આવ્યો હતો. એવામાં પીએમ રિપોર્ટ સામે આવ્યું હતું કે, યુવક ની ગળે ટૂંપો દઈ હત્યા કરવામાં આવી હતી.

આ મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવતા સન્ની હાર્દિકભાઈ ત્રિવેદી અને ચેતન ઉર્ફે ડોક્ટર ગીરધરભાઈ વાઘેલા દ્વારા ગળે ટૂંપો દઈ હત્યા કરી નાંખી હોવાની જાણકારી સામે આવી હતી. તેને લઈને પોલીસ દ્વારા બંનેને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.