સુરતના જહાંગીરપુરામાં મિત્ર સાથે મજાક કરવી પડી ભારે, હત્યાનો કરાયો પ્રયાસ
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ગુનેગારોને જાણે કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરતા રહે છે. જ્યારે આજે સુરતના જહાંગીરપુરાથી આવી ઘટના સામે આવી છે. આ વિસ્તારના વાલ્મિકી મહોલ્લામાં ગઈ કાલ રાત્રીના મહિલા સહિત સાત ઈસમો દ્વારા લાકડાના ફટકા તથા બેઝબોલ સાથે કેટલાક યુવાનો હુમલો કરવામાં આવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. મિત્રો વચ્ચે મજાક મસ્તીમાં મામલો ગરમાતા તેની અદાવત રાખીને યુવાનો પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય ચાર વ્યક્તિઓને શરીરના ભાગમાં ઇજાઓ પહોંચતા તેઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનામાં જહાંગીરપુરા પોલીસ દ્વારા ભોગ બનનાર યુવકની ફરિયાદ લઈને મહિલા સહિત સાત લોકો સામે હત્યાનો પ્રયાસ અને એટ્રોસિટીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઘટનાને લઈને જણાવી દઈએ કે, વરિયાવ ગામમાં આવેલ હળપતિ વાસ માખણીયા ટેકરોમાં રહેનાર સૌરભ ઉર્ફે રમેશભાઈ મગનભાઈ રાઠોડ દ્વારા ગઈ કાલના સાત લોકો સામે હત્યાનો પ્રયાસ અને એટ્રોસિટીની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદમાં તેના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હુમલો કરનાર ભાવેશ ઉર્ફે ભોલા તથા તેના મિત્રો એકઠા થઈને સૌરભ અને તેના મિત્રો સાથે તારીખ 28/2/2024 ના રોજ મજાક મસ્તી માં સામાન્ય બાબતમાં ઝઘડો કર્યો હતો. આ ઝઘડાની અદાવતમાં ભાવેશ ઉર્ફે ભોલા તેની મમ્મી તથા રાહુલ ચૌધરી, ધર્મેશ ચૌધરી, જયેશ આહીર અને આકાશ ચૌધરી એકઠા થઈને લાકડાના ફટકા અને બેઝબોલની સ્ટીક લઈને આવ્યા હતા. ત્યાર બાદ આ બધા દ્વારા સૌરભને અને તેના મિત્રોને એલ ફેલ ગાળો આપી લાકડાના ફટકા વડે ઢોર માર મારવાનું શરુ કરી દેવામાં આવ્યું હતું.
તેની સાથે સૌરભને લાકડાના ફટકા વડે માર મારવામાં આવ્યો હતો. જ્યારે રાહુલ ચૌધરી દ્વારા તેના મિત્ર ગણેશ ઉર્ફે સનીને માથામાં બેઝબોલ ફટકારવામાં આવતા તેને હેમરેજ થઈ ગયું હોવાનું સામે આવ્યું છે. આ સિવાય સૌરભના મિત્ર ઋત્વિક રાઠોડ, બેવન તથા અભયની માતા ગીતાબેન ને પણ શરીરના ભાગમાં લાકડાના ફટકા વડે ઢોર માર મારવામાં આવતા તેમને પણ ઈજાઓ પહોંચી છે. આ સિવાય ભાવેશ ઉર્ફે ભાલો દ્વારા તમામ લોકોએ ભેગા મળી સૌરભ ઉર્ફે સુબુને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. તેના લીધે આ સમગ્ર બનાવવામાં પોલીસ દ્વારા હુમલાખોરો સામે એટ્રોસિટી સાથે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.