જૂનાગઢમાં આખલાની ઝપેટમાં આવેલ વૃદ્ધાને બચાવવા જતા ચારથી પાંચ લોકો થયા ઈજાગ્રસ્ત
રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે સતત વધી રહ્યો છે. રખડતા ઢોરને કારણે અકસ્માતના કિસ્સાઓમાં પણ વધારો થઈ ગયો છે. તો વળી કેટલાક લોકોએ તો રખડતા ઢોરના કારણે થયેલ અકસ્માતમાં પોતાનો જીવ પણ ગુમાવવાનો વખત આવ્યો છે. ત્યારે આવો જ એક કિસ્સો હાલ જુનાગઢથી સામે આવ્યો છે. જુનાગઢમાં આખલાઓના લડાઈમાં ચારથી પાંચ લોકો અડફેટમાં આવી ગયા હોવાની ઘટના સામે આવી છે. જ્યારે આ તમામને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે.
તમને જણાવી દઈએ કે, જૂનાગઢ જિલ્લાના માંગરોળના ગુલાબીનગર જંકશન રોડ પાસે એક આખલાઓની અચાનક લડાઈ થઈ ગઈ હતી. તેના લીધે નાસભાગ મચી ગઈ હતી. પરંતુ આ લડાઈમાં એક વૃદ્ધાને આખલા દ્વારા અડફેટમાં લેવામાં આવતા તે જમીન પર પટકાયા હતા. ત્યાર બાદ તે ઉભા થઈને દૂર જવાનો પ્રયાસ કર્યો પરંતુ આખલા દ્વારા ફરીથી તેમને અડફેટે લઈને રસ્તા પછાડયા હતા. તેના લીધે વૃદ્ધા દ્વારા બુમાબુમ કરવામાં આવતા સ્થાનિક લોકો તેમની મદદે દોડી આવ્યા હતા. પરંતુ તેમને બચાવવાના પ્રયાસમાં સ્થાનિક લોકો પણ આખલાની અડફેટે આવી ગયા હતા.
જ્યારે આખલાની ઝપેટમાં આવતા ચારથી વધુ લોકોને ઈજા પહોંચી હતી. આ તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. કેટલાક લોકોને વધુ સારવાર માટે કેશોદ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. સ્થાનિકો લોકો દ્વારા આ મામલામાં કાર્યવાહી કરવામાં આવેની માંગણી કરવામાં આવી છે.
તેની સાથે તમને જણાવી દઈએ કે, રખડતા ઢોરોના લીધે અનેક લોકો અવારનવાર ઈજા પહોંચી છે. જ્યારે અનેક લોકોના મોત પણ થયા છે. આ મામલો કોર્ટ સુધી પણ પહોંચ્યો છે. તેમ છતાં હજુ પણ સ્થિતિ હતી તેવીને તેવી જ છે. તેના લીધે હજુ પણ રખડતા ઢોરોનો આતંક લોકોને સહન કરવો પડી રહ્યો છે.