રાજકોટમાં તબીબે યુવતીના ડાબા પગને બદલે જમણા પગનું કર્યું ઓપરેશન
રાજકોટની યુનિકેર હોસ્પિટલની બેદરકારીનો મામલો સામે આવ્યો છે. એક યુવતી દ્વારા ડાબા પગને બદલે જમણા પગનું ઓપરેશન કરી દેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જૂનાગઢની આ યુવતીને પગમાં દુખાવો થતા જૂનાગઢના ડોક્ટરને દેખાડવામાં આવ્યું હતું. તે સમયે ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, યુવતીનું ઓપરેશન કરવું પડશે. તેના લીધે તે રાજકોટની હોસ્પિટલમાં દાખલ થઈ ગઈ હતી.
આ બાબતને લઈને જણાવી દઈએ કે, રાજકોટની હોસ્પિટલમાં યુવતી ઓપરેશન માટે 19 એપ્રિલના દાખલ થઇ હતી. એવામાં યુવતીના તકલીફ વાળા ડાબા પગને બદલે સાજા પગનું એટલે જમણા પગનું ઓપરેશન કરી દેવામાં આવ્યું હતું. તેના લીધે સમગ્ર ઘટનામાં તબીબની ઘોર બેદરકારી જોવા મળી હતી.
ઘટનાને લઈને યુનિકેર હોસ્પિટલના વહીવટીતંત્રના વડા કાર્તિક શેઠ દ્વારા જણાવવામાં આવ્યું કે, હોસ્પિટલમાં દાખલ થવા આવ્યા ત્યારે દર્દીના સગાવાલાને બધું સમજાવવામાં આવ્યું હતું. ડાબા પગમાં સિન્ડ્રોમ હોવાનું જોવા મળ્યું હતું. જમણા પગમાં પણ તેની અસર થતી હોવાથી તપાસ કરવામાં આવતા બન્ને પગમાં ઓપરેશન કરવાની જરૂરિયાત ઉભી થઈ હતી. આ ઘોર બેદરકારીની ઘટનાને લઇને યુવતી દ્વારા યુનિકેર હોસ્પિટલ સામે ગાંઘીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.