સુરતમાં ચાલુ બસમાંથી અચાનક યુવક પટકાઈને બસ નીચે આવી જતા ઘટનાસ્થળ પર જ મોત
રાજ્યમાં સતત અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને સતત ઘટનાઓ સામે આવતી રહે છે. જ્યારે આજે સુરત શહેરથી એક દુઃખદ ઘટના સામે આવી છે. સૂટમાં સિટી બસ નીચે કચડાઈ જવાના લીધે એક યુવકનું કરુણ મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. રસ્તા પર ચાલી રહેલી બસમાંથી અચાનક યુવક પટકાતા તે બસ નીચે આવી ગયો હતો. જ્યારે ગંભીર રીતે કચડાઈ જતા તેનું ઘટનાસ્થળ પર કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાસ્થળ પર રહેલ તમામ લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના સિંગણપોર વિસ્તારમાં આવેલી વિશ્રામનગર સોસાયટીમાં 38 વર્ષીય સુબ્રાતી સફરખાન પરિવાર સાથે વસવાટ કરતો હતો. જ્યારે યુવક આજે સિટીમાં કતારગામ દરવાજા તરફ જઈ રહ્યો હતો તે કારણોસર તે સિંગણપોરથી સિટી બસમાં ચડ્યો હતો. એવામાં બસ કતારગામ દરવાજા પાસે પહોંચતા સમયે યુવક બસમાંથી નીચે પટકાયો અને તે બસના પાછળ ટાયર નીચે આવી ગયો હતો. તેના લીધે તેનું ઘટનાસ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું.
જ્યારે સિટી બસ નીચે યુવક કચડાઈ જતા લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. લોકો દ્વારા સિટી બસને અટકાવી ડ્રાઈવરને પણ પકડી પાડવામાં આવ્યો હતો અને પોલીસને સોંપી દીધો હતો. ઘટનાની જાણકારી મળતા 108 ની ટીમ પણ ઘટનાસ્થળ પહોંચી આવી હતી. તેના દ્વારા યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
તેની સાથે ઘટનાની જાણકારી મળતા યુવકની પત્ની રુબિના પણ ઘટનાસ્થળે આવી ગઈ હતી. પત્નીના હૈયાફાટ રુદનના લીધે માહોલ શોકમય બની ગયો હતો. હાલમાં આ મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે યુવકના મૃતદેહને પીએમ અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.