સુરતમાં યુવકે અચાનક જ સ્કૂલ બસ નીચે પડતું મૂકીને કર્યો આપઘાત, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલ બોમ્બે માર્કેટ પાસે આવેલ ઇશ્વરકૃપા સોસાયટી નજીક ચાલીને જઈ રહેલો એક યુવકે સામેથી આવી રહેલ એક સ્કૂલબસ નીચે અચાનક પડતું મૂકીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણ થતાં જ વરાછા પોલીસ તાત્કાલિક અસરથી ઘટના સ્થળ પર પહોંચી હતી. અને આ સમગ્ર મામલે સીસીટીવી કેમેરાના વીડિયો ફુટેજની તપાસ કરી હતી. પોલીસ હાલ તો આ આપઘાત કરનાર યુવકની ઓળખ કરવા માટે પ્રયાસ કરી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વરાછા બોમ્બે માર્કેટ નજીક ઇશ્વરકૃપા સોસાયટી પાસેથી એક અજાણ્યો યુવક રવિવારે બપોરે એકાદ વાગ્યે ચાલીને જઈ રહ્યો હતો. ત્યારે ઝિબ્રા ક્રોસિંગ બાજુથી આવેલા આ યુવકે સામેથી આવી રહેલી એક સ્કૂલબસની નીચે અચાનક જ પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. આ ઘટનાને પગલે આસપાસના લોકો તરત જ એકઠા થઇ ગયા હતા. અને તે લોકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરીને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકને સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર માટે રવાના કર્યો હતો. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે આ યુવકને મૃત જાહેર કર્યો હતો.
પોલીસે આ સમગ્ર મામલે જણાવ્યું હતું કે, આપઘાત કરનાર યુવકની હજુ સુધી ઓળખ થઈ નથી. તેણે શરીરે બ્લૂ ટી-શર્ટ તેમજ પેન્ટ પહેર્યું છે. વીંછીનું છૂંદણું યુવકે તેના જમણા હાથ પર દોરાવેલું છે. જો કે, તમાકુની પડીકી યુવકના ખિસ્સામાંથી મળી આવી હતી. પરંતુ એવી કૂ વસ્તુ મળી ના આવી કે જેથી યુવકની ઓળખ થઈ શકે. હાલ તો યુવકની ઓળખ કરવા અને તેના પરિવારજનોની શોધખોળ કરવા માટેની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.