GujaratNavsariSouth Gujarat

નવસારીમાં યુવતીના શંકાસ્પદ મોત મામલે લાશનું કરાયું પેનલ પીએમ, રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

નવસારી જિલ્લામાં શાઈસ્તા નામની મુસ્લિમ યુવતીની મોતનો મામલો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. કેમકે યુવતીના મોતને લઈને તેના પ્રેમીએ રેન્જ આઈજીને લેખિતમાં ફરિયાદ કરતા જણાવ્યું છે કે, યુવતીના પરિવારજનોએ જ તેની હત્યા કરીને તેને કબ્રસ્તાનમાં દફનાવી દીધી છે. તો યુવતીના પિતા આ બધા જ આક્ષેપોને ફગાવી દેતા કહે છે કે યુવતીએ આત્મહત્યા કરી છે. એવામાં હવે આ મામલામાં મોટા સમાચાર સામે આવ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, નવસારીમાં યુવતીના મૃતદેહનું સુરતની ફોરેન્સિક પેનલે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. આ બાબતમાં સિવિલ હોસ્પિટલના સુપ્રિમટેન્ડન્ટ ગણેશ ગોવેકરે દ્વારા મોટું નિવેદન આપતા જણાવવામાં આવ્યું છે કે, સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે યુવતીનું બે તબીબો દ્વારા પેનમ પીએમ કરવામાં આવ્યું છે. જેમાં પ્રાથમિક તપાસમાં ગળેફાંસો ખાવાના લીધે મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

તેમના દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, યુવતીના શરીર પર ઇજાના અન્ય કોઈ નિશાન રહેલા નથી. તેની સાથે આઇડેન્ટિફિકેશન માટે DNA સેમ્પલ, દાતના સેમ્પલ, વિશેરાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જ્યારે ઘટનામાં યુવતીએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હોવાની શક્યતા રહેલી છે. જયારે સિસ્ટન્ટ એસોસિયેટ કલ્પેશ ચૌધરી રેસિડેન્ટ તબીબ પ્રતીક પરમાર દ્વારા યુવતીનું પેનલ પીએમ કરવામાં આવ્યું છે.

નોંધનીય છે કે, નવસારી જિલ્લામાં યુવતીના મોતને લઈને તેના પ્રેમી દ્વારા રેન્જ આઈજીને લેખિતમાં ફરિયાદ કરતા જણાવવામાં આવ્યું હતું કે, યુવતીના પરિવારજનોએ જ તેની હત્યા કરીને તેને કબ્રસ્તાનમાં દફનાવી દીધી છે. તો યુવતીના પિતા આ બધા જ આક્ષેપોને ફગાવી દેતા કહ્યું હતું કે, યુવતીએ આત્મહત્યા કરી છે. યુવતીના પ્રેમી અને પિતાની વાતમાં વિરોધાભાસ જોવા મળતા સમગ્ર બાબતમાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, મૂળ ખેરગામની અને અત્યારે જલાલપોર ખાતેના અબ્રામા નામના ગામે વસવાટ કરતી સાહિસ્તા સઈદ શેખ અને ખેરગામના નાંધાઈ ગામે વસવાટ કરતા બ્રિજેશ પટેલ બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. પરંતુ તે બંનેના ધર્મ અલગ હોવાથી તેમને શંકા હતી કે શું તેમના આ પ્રેમને સમાજ સ્વીકારશે કે કેમ? આ બધા સવાલો વચ્ચે સાહિસ્તા તેના પ્રેમી બ્રિજેશને મળવા માટે ગત 20 એપ્રિલના રોજ ઘરેથી નિકળી હતી. ત્યારે યુવતીને શોધવા નીકળેલા તેના પરિવારજનો તેને શોધતા યુવતીના પ્રેમી બ્રિજેશ પાસે પહોંચ્યા હતા. અને બાદમાં તેઓ યુવતીને પોતાની સાથે નવસારી ખાતે પરત લઈ આવ્યા હતા. ત્યારે ગતરોજ પ્રેમી યુવક બ્રિજેશ પટેલે આ સમગ્ર મામલે સુરત રેન્જ આઇજીને એક લેખિત અરજી કરી હતી. જેમાં તેણે આક્ષેપ કર્યો હતો કે યુવતીના પરિવારજનોએ તેની હત્યા કરી નાખી છે અને યુવતીને કલથાણ કબ્રસ્તાનમાં દફન કરી દીધી છે. તો બીજી બાજુ યુવતીના પિતા સઈદ શેખે આ તમામ આક્ષેપોને નકારી કાઢીને કહ્યું કે સાહિસ્તાએ આપઘાત કર્યો હોવાનુ જણાવ્યું હતું.

યુવતીના પિતાએ જણાવ્યું હતું કે, બ્રિજેશ પાસેથી તેને લઈ આવ્યા બાદ તે ફરી જતી ન રહે તેમજ કોઈ ખોટું પગલું ના ભરે એ માટે અમે એને એકલી મૂકતા ન હતા. પરંતુ ગત 21 એપ્રિલમાં રોજ સવારના સમયે યુવતીની માતા ઘરકામ કરવા માટે ગયા ત્યારે તબિયત સારી ન હોવાનું જણાવીને સાહિસ્તાએ ઘરે જ રહેવાનું કહ્યુ હતુ. અને માતા દોઢ કલાક પછી જ્યારે ઘરે પહોંચ્યા તો તેમણે જોયું કે ઘરમાં તો સાહિસ્તાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. અને ત્યાં સાહિસ્તાની એક સ્યુસાઇડ નોટ પણ લખેલી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે બ્રિજેશની ક્ષમતા ના હોવાના કારણે તે તેને અપનાવી શકે એમ નથિ અને તેના આ પગલાંને લઈને તેણે માતા પિતાની પણ માફી માંગી છે. સાથે જ તેના મોત પછી બ્રિજેશ પટેલને બોલાવી એનું મોં બતાવવાની પોતાની અંતિમ ઈચ્છા પણ યુવતીએ સ્યુસાઇડ નોટમાં દર્શાવી હતી.

તમને જણાવી દઈએ કે, પ્રેમી બ્રિજેશ પટેલે યુવતીની મોતને લઈને પરિવારજનો પર કરેલા આક્ષેપો અને તે તમામ આક્ષેપો યુવતીના પિતા સઈદ શેખે કરેલી યુવતીના આત્મહત્યાની વાત વિરોધાભાસી હોવાના કારણે હાલ તો આ સમગ્ર મામલે નવસારી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે અને આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.