અમદાવાદના આર. ટી.ઓ ખાતે કેદીઓ દ્વારા ચલાવવામાં આવતા ‘જેલ ભજીયા હાઉસ’ ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કેમ કે ‘જેલ ભજીયા હાઉસ’ ને નવા હેરિટેજ લુક આપવાના સમાચાર સામે આવ્યા છે. આર. ટી. ઓ સર્કલ ખાતે નવીનીકરણ થનાર અદ્યતન ત્રણ માળનું ‘જેલ ભજીયા હાઉસ’ હેરિટેજ લુક સાથે નવા રંગરૂપમાં તૈયાર કરાશે. જે અંદાજીત રૂપિયા 2.40 કરોડથી વધુના ખર્ચે નિર્માણ થશે. આ નવા ભજીયા હાઉસના ગ્રાઉન્ડ ફ્લોર પર સેલરૂમ અને કેદીઓ દ્વારા બનાવેલ ભજીયાનું વેચાણ કરાશે. જ્યારે પ્રથમ માળ પર જેલના કેદીઓ દ્વારા ભોજન બનાવવામાં આવશે. જેમાં સ્પેશિયલ ‘ગાંધી થાળી’ લોકોમાં આકર્ષણનું નવું કેન્દ્ર બનવાની છે.
તેની સાથે તે પણ જાણકારી સામે આવી છે કે, બીજા માળ પર આઝાદીના સમયે સાબરમતી જેલમાં રહેલા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, કસ્તુરબા, મહાદેવભાઈ દેસાઈ, ઝવેરચંદ મેઘાણી, લોકમાન્ય તિલક જેવા સ્વાતંત્ર્યસેનાનીઓ દ્વારા જેલમાં વિતાવેલ સમયની ઝાંખી દર્શાવતું મ્યુઝિયમ પણ બનાવવામાં આવશે. આ સિવાય નવા નિર્માણ પામનાર જેલ ભજીયા હાઉસમાં જેલર-કેદીઓ તથા જેલની અંદરના માહોલની થીમ પણ જુઓવા મળવાની છે.
તેમ છતાં હાલના સમયમાં ‘જેલ ભજીયા હાઉસ’ ને સાબરમતી મધ્યસ્થ જેલની બાજુમાં ખસેડવામાં આવી છે. તેના સિવાય આર. ટી. ઓ સર્કલ ખાતે નવા તૈયાર થનાર ભજીયા હાઉસની બિલ્ડિંગનું નિર્માણકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. અમદાવાદના જેલ ભજીયા હાઉસ ખાતે કેદીઓ દ્વારા વર્ષ 2023-24 માં કુલ રૂ. 86.47 લાખનું ટર્ન ઓવર કરવામાં આવેલ છે. જ્યારે ‘જેલ ભજીયા હાઉસ’ના નવીનીકરણનું કાર્ય રાજ્યના જેલ વડા ડો. કે. એલ. એન રાવના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે.