બાબા બાગેશ્વરને ઓપન ચેલેન્જ કરનાર જનક બાબરીયાએ પત્ર લખીને વિવાદ કર્યો સમાપ્ત
આગામી મહિને બાગેશ્વર બાબા ગુજરાત આવી રાજ્ય છે. ગુજરાતના ચાર શહેરોમાં બાગેશ્વર બાબા એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર યોજાવાના છે. ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાત આવી રહ્યા છે તેને લઈને રાજ્યમાં હાલ ચર્ચાઓ વચ્ચે વિવાદનો મધપૂડો પણ છેડાયો છે. એક તરફ મોટી સંખ્યામાં લોકો ધીરેન્દ્ર શાસ્ત્રીનું સમર્થન કરી રહ્યા છે તો બીજી બાજુ કેટલાક લોકો તેમનો વિરોધ પણ કરી રહ્યા છે. આ બધા વચ્ચે થોડા દિવસ પહેલા સુરતના હીરાના એક વેપારીએ બાબા બગેશ્વરને પડકાર ફેંકયો હતો. જો કે, આ વેપારીએ હાલ પત્ર લખીને પોતાની વાત પરથી યુ-ટર્ન લઇ લીધો છે.
ઉલ્લેખનિય છે કે, સુરતના હીરાના વેપારી એવા જનક બાબરીયે તજોડા દિવસ પહેલા બાબા બાગેશ્વરને પડકાર ફેંક્યો હતો. જેને લઈને તેમણે એક પત્ર વાયરલ કરીને આ સમગ્ર મામલે યુ ટર્ન લઈ લીધો છે. જનક બાબરીયાએ તેમના પત્રમાં જણાવ્યું છે કે, ‘આગામી દિવસોમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજના ગુજરાતમાં દિવ્ય દરબાર યોજવાના છે, તેથી અમને લાગ્યું કે તેમના કારણે ગુજરાતમાં અંધશ્રદ્ધા ફેલાવવા જઈ રહી છે. જેથી સોશિયલ મીડિયા તેમજ મીડિયા દ્વારા અમે બાગેશ્વર બાબાને એક ડાયમંડના પેકેટને લઈને ઓપન ચેલેન્જ કરી હતી, જેથી ગુજરાતભરના બાબા બાગેશ્વરના ભક્તો તેમજ ચમત્કાર, અંધશ્રદ્ધામાં નહીં માનનારા વચ્ચે એક ખૂબ મોટો વિવાદ સર્જાયો છે. આ વિવાદના કારણે ગુજરાતની શાંતિ ડોહળાય તેવું લાગતા અમે આ સમગ્ર વિવાદ અહીં પૂરો કરવા માંગીએ છીએ.
તેમણે વધુમાં લખ્યું છે કે, ‘જ્યારથી તેમણે બાગેશ્વર બાબાને 2 કરોડના હીરાની ચેલેન્જ કરી છે ત્યારથી સતત મારા પર અનેક ફોન આવી રહ્યા છે અને મીડિયા પણ મારા નિવેદન માટે મારો સમય માંગી રહ્યું છે. તમામને હું સમય આપી શકુ એમ નથી. સતત હું માનસિક થાક અનુભવી રહ્યો હોવાથી હું આ વિવાદને હવે અહીં જ સ્થગિત કરી રહ્યો છું.’
તમને જણાવી દઈએ કે, બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાતના ચાર શહેરોમાં તેમના દિવ્ય દરબાર યોજાવાના છે. જેને લઈને હાલ રાજ્યમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તો એક બાજુ બાબા બાગેશ્વરને સમર્થકો અને તેમના વિરોધીઓ વચ્ચે આ પ્રકારની એક તકરાર પણ ચાલી રહી છે.