ગુજરાતી ફિલ્મો ના આ જાણીતા કોમેડિયન નું માર્ગ અકસ્માતમાં નિધન
100 થી વધુ ગુજરાતી ફિલ્મોમાં કામ કરનાર કોમેડિયન કેસ્ટો ઇકબાલ અને તેના મિત્રનું નેશનલ હાઇવે પર અજાણ્યા વાહનની ટક્કરમાં નિધન થયું છે. મળતી માહિતી મુજબ તે સમયે ઇકબાલ ફિલ્મના શૂટિંગ બાદ વડોદરા આવી રહયા હતા. મૂળ ડભોઇના સુંદરકુવા ગામના ઇકબાલ અહેમદ મન્સૂરી ગુજરાતી ફિલ્મોમાં કોમેડિયન તરીકે જાણીતા હતા. રવિવારે તે તેના મિત્ર કાદર ગુલામ રસૂલ મન્સુરી (51) સાથે પારસીપુરા ગામ પાસેના ફાર્મ હાઉસ પર શૂટિંગ માટે ગયા હતા.
શૂટિંગ બાદ બંને રાત માટે વડોદરા આવી રહ્યા હતા. ત્યારે તેની ટુ-વ્હીલરને એન.એચ. 48. વાઘોડિયા બ્રિજથી કપુરાઇ બ્રિજ તરફ જતા માર્ગ ઉપર અજાણ્યા વાહન સાથે ટકરાઈ હતી. જેના કારણે બંનેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.કાદરભાઇના પુત્ર શાહરૂખ ઉર્ફે શેરૂ કદર મન્સુરીએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંનેના મૃતદેહ સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. આ મામલાની હવે તપાસ કરવામાં આવી રહી છે.
કેસ્ટો ઇકબાલની ઓળખ ગુજરાતી ફિલ્મોમાં છોટે રમેશ મહેતા તરીકે હતી. તેમણે 100 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો, જેમાં શું કરીશુ, ટેન્શન થઇ ગયું, પટેલ ની પટલાઈ અને ઠાકોરની ખાનદાની નો સમાવેશ થાય છે. તેમના અવસાનથી તેમના ચાહકો માં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.