આજના સમયમાં દેશના મોટાભાગના લોકો પાસે બે મહત્વના દસ્તાવેજો હોવા જ જોઈએ. પહેલું આધાર કાર્ડ છે જે UIDAI દ્વારા જારી કરવામાં આવે છે અને બીજું આવકવેરા વિભાગ દ્વારા જારી કરાયેલ PAN કાર્ડ છે. જો તમારી પાસે આ બંને છે, તો આજે જ બંનેને લિંક કરો. કારણ કે જો તમે તેને લિંક નહીં કરો તો તમારું પાન કાર્ડ ચોક્કસપણે નકામું થઈ શકે છે. એકવાર પાનકાર્ડ નકામું થઈ જાય તો તમારે ઘણા ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે.
આવકવેરા વિભાગે જણાવ્યું નથી કે નિષ્ક્રિય પાન કાર્ડને ફરીથી સક્રિય કરી શકાય છે કે નહીં, આ સ્થિતિમાં તમારી પાસે નવા કાર્ડ માટે અરજી કરવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં. હવ આધાર PAN લિંક કરવાની સમયમર્યાદા સમાપ્ત થવામાં થોડા કલાકો બાકી છે, તેથી તમારા મનમાં ઘણા પ્રશ્નો ઉદ્ભવતા જ હશે. આધાર PAN કેવી રીતે લિંક કરવું? આમાંથી કોને મુક્તિ આપવામાં આવી છે? જો આધાર PAN લિંક ન હોય તો શું? ચાલો આ બધા પ્રશ્નોના જવાબ એક પછી એક શોધીએ.
આવકવેરા વિભાગે આજે એટલે કે 30 જૂન, 2023ને આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરવાનો છેલ્લો દિવસ જાહેર કર્યો છે. આવકવેરા અધિનિયમ 1961 મુજબ 1લી જુલાઇ 2017ના રોજ જે વ્યક્તિને PAN ફાળવવામાં આવ્યો છે, અને તે આધાર નંબર મેળવવા માટે પાત્ર છે, તેણે 30મી જૂનની સમયમર્યાદામાં તેના આધારને PAN સાથે લિંક કરાવવું જરૂરી છે, જો આમ કરવામાં ન આવે તો વ્યક્તિનું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે.
દરેક માટે આધાર કાર્ડને PAN સાથે લિંક કરવું ફરજિયાત છે, પરંતુ 4 પ્રકારના લોકોને તેમાંથી મુક્તિ આપવામાં આવી છે. જો તમે આસામ, જમ્મુ-કાશ્મીર અને મેઘાલય રાજ્યમાંથી છો, તો તમારે અત્યારે ટેન્શન લેવાની જરૂર નથી. આ સિવાય NRI માટે પણ આધાર PAN લિંક કરવાની જરૂર નથી. ઉપરાંત, વૃદ્ધોની કાળજી લેતા, સરકારે આ પ્રતિબંધમાંથી 80 વર્ષની વય વટાવી ચૂકેલા લોકોને રાહત આપી છે. આ સિવાય જે વ્યક્તિ ભારતનો નાગરિક નથી, તેને આધાર કાર્ડ મેળવવાની મંજૂરી નથી, તેથી તેણે સીધું આધાર PAN લિંક કરવું પડશે નહીં.
જો લિંક કરવામાં ન આવે તો શું: જો તમે આજે પણ PAN ને આધાર સાથે લિંક નથી કરાવ્યું તો આવતી કાલથી એટલે કે 1 જુલાઈ 2023 થી તમારું PAN કાર્ડ નિષ્ક્રિય થઈ જશે. જ્યારે PAN કાર્ડ નિષ્ક્રિય કરવામાં આવે છે, જો તમે તેનો ઉપયોગ કોઈપણ નાણાકીય કાર્ય માટે દસ્તાવેજ તરીકે કરો છો, તો તમને 10,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
જો PAN નિષ્ક્રિય છે, તો તમે ITR ફાઇલ કરી શકશો નહીં અને તમારા બાકી રિટર્નની પ્રક્રિયા કરવામાં આવશે નહીં. તમારા બાકી રિફંડ પણ જારી કરવામાં આવશે નહીં. પાન કાર્ડ નિષ્ક્રિય થયા પછી બાકી કાર્યવાહી પૂર્ણ કરી શકાતી નથી. તમારી કર કપાત પણ ઊંચા દરે થશે. આવા લોકોને લોન, ક્રેડિટ કાર્ડ અને બેંકિંગ સાથે જોડાયેલી અન્ય ઘણી બાબતોમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે.